Charchapatra

સ્તુત્ય પગલું

મહિલાઓ માટે લગ્નની લઘુતમ વય હાલના ૧૮ વર્ષ પરથી વધારીને ૨૧ વર્ષ કરવા માટેના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ ખરડો સરકાર સંસદમાં રજૂ કરશે અને સંસદમાં પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ અમલમાં આવશે. સરકારનું આ પગલું અત્યંત આવકારદાયક છે. આ વાત વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક વર્ષ અગાઉ દોહરાવી ચૂક્યા હતા. હકીકતમાં આવો કાયદો ઘણા સમય પહેલાં અમલમાં આવવો જોઈતો હતો પણ નહોતો આવ્યો. કંઈ નહીં, દેરસે આયે દુરસ્ત આયે તે ગુજરાતી કહેવત અહીં બંધબેસે છે.હવે જોવાનું એ રહે છે કે સંસદમાં જ્યારે આ માટે ખરડો રજૂ થાય ત્યારે વિરોધ પક્ષ કેવું વલણ અપનાવે છે, કારણ અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે વિરોધ પક્ષ સરકારના સારા કે અનુચિત કોઈ પણ પગલાનો વિરોધ જ કરતો આવ્યો છે. વિરોધ પક્ષનું વલણ કેવું હશે તે સંસદમાં ખરડો રજૂ થશે ત્યારે ખબર પડશે. આશા રાખીએ કે વિરોધ પક્ષનું વલણ કમસેકમ આ બાબતમાં સકારાત્મક રહેશે. અને જો નહીં રહે તો બહુમતીએ એ પસાર થઈ જશે તેનાથી વિરોધ પક્ષો માહિતગાર છે જ. પુરુષો અને મહિલાઓની લગ્નની ઉંમરમાં એકરૂપતા લાવવાના સરકારના આ પ્રસ્તાવને દરેક વ્યક્તિ બિરદાવશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top