સુરત: (Surat) મુંબઇના (Mumbai) બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં વિશાળ ઓફીસ ધરાવનાર અગ્રણી હીરા ઉદ્યોગની કંપની (Leading diamond industry company) સંઘવી એક્સપોર્ટ ઇન્ટરનેશનલ પ્રા.લિ.ને આઇડીબીઆઇ બેંકે ડિફોલ્ટર જાહેર કરી છે. આ કંપનીના સંચાલકો સંઘવી બ્રધર્સ 16.72 કરોડની લોનની (Loan) રકમ પરત કરી શકયા નથી. તેને પગલે બેંકે (Bank) તેમના એકાઉન્ટ ફ્રીઝ કરી મુંબઇની પ્રોપર્ટીઓ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સંઘવી એક્સપોર્ટ ઇન્ટરનેશનલ ગ્રુપની ચાર સહયોગી કંપનીઓ છે જેમાં સંઘવી ડાયમંડ મેન્યુફેકચરીંગ, સંઘવી જવેલરી મેન્યુફેકચરીંગ, સંઘવી સ્ટાર રીટેલ અને રોયલ એસ્ટેટ હોલ્ડીંગ (ભારત)નો સમાવેશ થાય છે. અગાઉ સુરતમાં આ ગ્રુપ બે ડાયમંડ મેન્યુફેકચરીંગ યુનિટ ધરાવતું હતું પરંતુ આ ગ્રુપ સાથે સંકળાયેલી બીજી કંપની પણ નાણાકીય વર્ષ 2017-18માં ડીફોલ્ટ થતા અન્ય બેંકોએ સરફેસી એકટ હેઠળ પ્રોપર્ટીઓ જપ્ત કરી હતી. અત્યારે આ કંપની મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સમાં ઓફીસો ધરાવે છે અને મુંબઇમાં ફલેટ અને બંગલાઓ સહિતની પ્રોપર્ટી ધરાવે છે. આ પ્રોપર્ટીઓ ટાંચમાં લેવા આઇડીબીઆઇ બેંકના પ્રવકતાએ જાહેરાત કરી છે. પ્રારંભમાં મુંબઇના અંગ્રેજી અખબારોમાં લોનની રકમ 6710 કરોડ દર્શાવવામાં આવી હતી તે પછી આઇડીબીઆઇ બેંકે સ્પષ્ટતા કરી હતી કે કંપની પાસે બેંકને 16.72 કરોડના લેણા નીકળે છે.
સંઘવી ઇન્ટરનેશનલ એક્સપોટ 2017માં નાણાકીય ભીંસમાં આવી હતી. આ ગ્રુપની બીજી કંપની સામે 2018ના વર્ષમાં બેંક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં કન્સોર્ટિયમ બનાવી 468 કરોડના ધિરાણ સામે મુંબઇમાં 24 અને સુરતમાં 3 મળી 27 મિલકતો બેંકોએ જપ્ત કરી હતી. તે પછી આ ગ્રુપની બીજી કંપની સામે હવે 16.72 કરોડની વસુલાત કરાશે.
આઇડીબીઆઇ બેંકે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 16.72 કરોડ એનપીએ થયેલા છે અને તેની વસુલાત માટે બેંક દ્વારા જપ્તીની કાર્યવાહી મુંબઇમાં શરૂ કરાઇ છે. ગઇ કાલે આઇડીબીઆઇ બેંકને લગતા નકારાત્મક અહેવાલોને પગલે સોમવારે એનએસઇ પર શેરની કિંમત 1.41 ટકા તુટી હતી. જો કે મંગળવારે મોટી રકમનું બેંકે ખંડન કરતા શેર 40 પૈસા પ્લસ થયો હતો. આઇડીબીઆઇ બેંકે આ કંપનીના પ્રમોટર રમેશ, ચંદ્રકાંત અને કિર્તી સંઘવી સાથે રિકવરી માટે અગાઉ બેઠક યોજી હતી. જો કે કંપનીના પ્રમોટર્સ છૂટા પડી ગયા હોવાથી બેંક માટે ટેકનીકલ ગુંચ પણ ઉભી થઇ છે.