ઓલપાડ ટાઉન: નર્મદા મૈયાની પરિક્રમા (Narmada Maiya Parikrama) કરવા નીકળેલા ગુજરાત ,મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી 40 જેવા યાત્રીઓ રાત્રીના સમયે કોટેશ્વર મહાદેવ કંટયાજાળ હાંસોટ થી લખીગામ ભરૂચ જવા નીકળ્યા બાદ બોટ (Boat) દરિયામાં ભૂલી પડી જઈ ડભારી દરિયાકાંઠે આવી પહોંચતા ડભારીના સરપંચ દ્વારા તમામ પરિક્રમા યાત્રીઓને (Traveler) સહીસલામત હાંસોટ રવાના કર્યા હતા.
- નર્મદા મૈયાની પરિક્રમા કરવા નીકળેલા ગુજરાત , મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના 40 જેવા યાત્રીઓની બોટ ભૂલી પડી જતાં ડભારી દરિયા કિનારે આવી પહોંચી
- રાત્રીના સમયે કોટેશ્વર મહાદેવ કંટયાજાળ હાંસોટ થી લખીગામ ભરૂચ જવા નીકળ્યા બાદ બોટ દરિયામાં ભૂલી પડી હતી
- ડભારી ગામના સરપંચ રજનીકાંત પટેલ ને ટેલિફોનિક જાણ કરતા રજનીકાંત પટેલ તેમજ પિંજરાત તાલુકા પંચાયત ના સભ્ય નિમિષા પટેલ એ પરિક્રમા યાત્રી ને સહીસલામત હાંસોટ પહોંચાડયા
આપણા પુરાણો શાસ્ત્રો અને ગ્રંથોમાં નર્મદા નદીની પરિક્રમા નું અનેરું મહત્વ રહેલું છે. સમગ્ર ભારતભરમાંથી નર્મદા મૈયા ના ભક્તો નર્મદા ની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે.જોકે ગત રાત્રીએ નર્મદા નદી માં બોટમાં બેસી નીકળેલા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી 40 જેવા યાત્રીઓ રાત્રીના સમયે કોટેશ્વર મહાદેવ કંટયાજાળ હાંસોટ થી લખીગામ ભરૂચ જવા નર્મદા નદી માં બોટમાં બેસી નીકળ્યા હતા..પરંતુ રાત્રીના સમયે નદીમાંથી રસ્તો ભૂલી જવાથી સમગ્ર રાત્રી દરમિયાન બોટ ભૂલથી આજરોજ સવારે ડભારી ગામે દરિયાકિનારે સવારે 7 વાગ્યે લાંગરી હતી જે અંગે યાત્રીઓએ માછીમારો ને પૂછતાં તેમણે ઓલપાડ તાલુકાનું ડભારી ગામ હોવાનું જણાવ્યું હતું .
જોકે માછીમારોએ ડભારી ગામના સરપંચ રજનીકાંત પટેલ ને ટેલિફોનિક જાણ કરતા રજનીકાંત પટેલ તેમજ પિંજરાત તાલુકા પંચાયત ના સભ્ય નિમિષા પટેલ ડભારી દરિયા કાંઠે પહોંચ્યા હતા જોકે આ અંગે ઓલપાડ પોલીસ મથક ના પી આઈ વસાવા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જે બાદ તેમની હકીકત જાણી અંકલેશ્વર ડેપ્યુટી કલેક્ટર આર.ભગોડાને ટેલિફોનિક સંપર્ક કરી નર્મદા પરિક્રમા ના યાત્રીઓ ભુલા પડી ગયા હોવાની હકીકત જણાવી હતી. જેબાદ તમામ યાત્રીઓને સહીસલામત ડભારી ગામ ખાતે સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. આ ઘટના ની જાણ થતાં હાંસોટ તાલુકાના મામલતદાર ફ્રાન્સિસ વસાવા પણ ડભારી આવી પહોંચ્યા હતા જે બાદ તમામ યાત્રીઓને સહી સલામત હાંસોટ જવા ખાનગી વાહનમાં રવાના કરવામાં આવ્યા હતા.