સુરત: (Surat) સુરત શહેરના હોમટાઉનના રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓપન જેલનું (Open Jail) સપનુ સાકાર થાય તેવા વાવડ મળ્યા છે. સુરત જિલ્લા કલેકટરે (Collector) ઓલપાડ કે લાજપોરમાં ઓપન જેલ માટે જગ્યા સંપાદન કરવા કવાયત શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં હાઇટેક લાજપોર સાથે સાથે ઓપન જેલની જે ખોટ સાલતી હતી તે હવે પુરાઇ જશે. બે મહિના પહેલા સુરતની સબજેલના મહેમાન બનેલા રાજયના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ સુરતમાં ઓપન જેલ માટે આશા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકા કામના કેદીઓ (Prisoners) જેલવાસ દરમિયાન કલા કૌશલ્ય વિકસાવી શકે અને પુન:વસન કરી શકે તે માટે આ ખ્યાલ જરૂરી છે. ઓપન જેલથી કેદીઓ રોજગાર પણ પામી શકશે. આ માટે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે યુધ્ધના ધોરણે જમીન શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે.
જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, પ્રાથમિક તબકકે હયાત લાજપોર જેલ આસપાસની જમીન ઉપર પસંદગી ઉતારાય તેવી વકી છે. આ ઉપરાંત ઓલપાડ માટે પણ તેમણે જમીન જોઇ રાખી છે. આગામી દિવસોમાં આ જમીનનું સ્થળ અને સરવે નંબર ફાયનલ કરી જેલ વિભાગને જગ્યા આપી દેવાશે. આ ઓપન જેલમાં ડાયમંડ પોલિશિંગ તેમજ ટેક્ષટાઇલ વર્ક સહિત પશુપાલન અને ખેતીવાડીને લગતા ક્ષેત્રને પ્રાધાન્ય અપાશે. મહિલા કેદીઓ માટે પણ એમ્બ્રોઇડરી મશીન સહિત જે જે રિકવાયરમેન્ટ હશે તે મશીનો ફિટ કરાશે. પાકા કામના કેદી જયારે સજા પૂરી કરી સમાજમાં મૂળ પ્રવાહમાં જાય તે વખતે તેમને આ સ્કીલ્ડ જીવંત હશે તો રોજગારી માટે દરદર ભટકવું નહિં પડે અને સમાજની મુખ્યધારા સાથે આસાનીથી ભળી શકે
રાજકોટ અને વડોદરા બાદ સુરત જિલ્લામાં ઓપન જેલ બનશે
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહ્યું હતું કે, ગુજરાત રાજયમાં હાલ રાજકોટ અને વડોદરામાં ઓપન જેલ છે. તે સિવાય સાઉથ ઝોનમાં અત્યાર સુધી એકેય ઓપન જેલ નહોતી. સુરતમાં ઓપન જેલ નિર્માણ પામશે તેની સાથે રાજયમાં આ ત્રીજી ઓપન જેલ હશે.
ઓપન જેલમાં કયા કયા એકમો નાખવા તેનો નિર્ણય જેલ વિભાગ કરશે
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહ્યું હતું કે, સુરત શહેરમાં ઓપન જેલ માટે પ્રશાસન તરફથી જમીન સંપાદનની કામગીરી ઝડપી બનાવાશે. દોઢ મહિનામાં જમીનનો કબ્જો સોંપી જેલ વિભાગને હવાલે કરી દેવાશે. ત્યારબાદ જેલ વિભાગ પ્રાયોરિટી જોઇ કયા કયા એકમો નાંખવા તે નકકી કરશે.
જેલમાં સીતેર ટકા કેદીઓને હીરાના વ્યવસાયમાં રસ
જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહયુ હતુ કે પાકા કામના કેદીઓને એક ફોમ ભરાવાય છે. જેમાં તેમને જેલવાસ દરમિયાન કયા કામમા રસ છે.તે દશાર્વવાનું હોય છે. વળી લાજપોર જેલમાં હાલ જેટલા કેદીઓ છે. તેમને પણ પસંદગીના કામ અંગે પુછવામાં આવ્યુ હતુ તેમાં સીતેર ટકા કેદીઓએ પોતાને ડાયમંડ પોલીશીંગ કે એસોટીંગનું કામ આવડતુ હોવાનુ જણાવ્યુ હતુ. જેને પગલે ઓપન જેલમાં આવા એકમો શરુ કરી દેવાશે.