રાજકોટ: રાજકોટના (Rajkot) કુવાડવા રોડ પર દેવનગરમાં આવેલા ઝુંપડામાં સોમવારે રાત્રે મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. અહીં એક રાત્રે લાઇટ (Power cut) જતા એક ઝૂંપડામાં રહેતા પરિવારે દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપતા જ આગ (Fire) લાગી હતી. આ ઘટનામાં 1 વર્ષની બાળકી ગંભીર રીતે દાઝતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત (Girl died) નિપજ્યું હતું. 3ની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડે (Fire brigade) આગ પર કાબુ મેળવી દાઝેલા ત્રણેય વ્યક્તિઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.
આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર રાજકોટ કુવાડવા રોડ પર દેવનગરમાં આવેલા ઝુંપડામાં રહેતા પરિવાર પર સોમવારની રાત કાળ બનીને ત્રાટકી હતી. અહીં રાત્રે લાઇટ જતી રહી હતી. આથી ઝૂંપડામાં રહેતા પરિવારે દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જોવા માટે દીવાસળી સળગાવી તો ભડકો થયો હતો અને જોતજોતામાં આગ આખા ઝૂંપડામાં પ્રસરી ગઇ હતી. આખોય પરિવાર આગની ઝપેટમાં આવી ગયો હતો.
આ ઘટનામાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ 1 વર્ષીય બાળકી આગમાં બળીને ભડથૂં થઈ ગઈ હોય તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં એક બાળકી બચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. 1 વર્ષની પૂરીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, ચનાભાઈ ભંગાર વીણવાનું કામ કરે છે. સારવારમાં રહેલા રૂપાબેન મૃતક બાળકીના માસી છે. તેઓ બહારગામથી આવ્યા હતા અને તેઓ પણ દાઝી ગયા હતા. મૃતક બાળકી એક ભાઈ અને ચાર બહેનમાં નાની હતી.