ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) શરૂ કરેલો ગતિશક્તિ પ્રોજેક્ટ નેશનલ (Gatishakati) માસ્ટર પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણમાં ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આ પ્લાન સાથે કદમથી કદમ મિલાવવા માટે ગુજરાત (Gujarat) સરકારે ગતિશક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બાયસેગના (Bisag ) માધ્યમથી ટેક્નોલોજીનો સમન્વય કરી ગતિશક્તિ પ્રોજેક્ટ નિર્માણ કાર્યના આયોજન અને સમયસર પૂર્ણ કરવા અસરકારક બનવાનો છે. ગતિ શક્તિમાં પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને એક કોમન પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવી રહ્યા છે.
આ વિભાગો એટલે કે માર્ગ અને મકાન વિભાગ, રેલવે વિભાગ, વન વિભાગ, વીજળી વિતરણ વિભાગ, ટાઉન પ્લાનિંગ, મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ, પાણી પુરવઠા વિભાગ જેવા વિભાગો કે જે જાહેર નિર્માણ સાથે સંકળાયેલા છે.
દેશ અને રાજ્યમાં પણ નિર્માણ કાર્યમાં ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ થવા જઇ રહ્યો છે. એનું નામ ગતિશક્તિ પ્રોજેક્ટ છે. ગતિશક્તિ પ્રોજેક્ટના ચાલક બળ તરીકે ગુજરાતમાં હાલમાં બે વિભાગ મુખ્ય છે, એક બાયસેગ અને બીજો ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ. GIDB દ્વારા હાલમાં ગતિશક્તિ પ્રોજેક્ટ માટે ડેટા કલેક્શનની કામગીરી ચાલી રહી છે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રાદેશિક કક્ષાએ ઉક્ત વિભાગોના અધિકારીઓના સેમિનાર યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વડોદરામાં પણ આવો એક સેમિનાર યોજાયો હતો.
પાણી, ગટર, રાજમાર્ગો, રેલવે, વનો, વીજળી, નગરો અને મહાનગરોના આંતરિક રસ્તા, જમીનની માલિકી, ટીપી અને ડીપી, સોઇલની વિગતો આ પ્રોજેક્ટમાં ફીડ કરવામાં આવશે. એટલે કે, કમ્પ્યૂટરની એક ક્લિક ઉપર જ ઉક્ત બાબતોનો ઉપલબ્ધ થઇ જશે. જે-તે વિભાગ માટે આવા ખાસ પોર્ટલ બનાવવામાં આવશે. જીઆઇડીબી અને બાયસેગ દ્વારા આવા 5 હજાર પોર્ટલ બનાવવાનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપર વિશેષ નજર રાખી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં સેટેલાઇટ ઇમેજ અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ તા. ૧૩ ઓક્ટોબરના રોજ મહત્ત્વાકાંક્ષી રૂ.100 ટ્રિલિયન પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત કરી હતી. જે ભારતને આંતર માળખાકીય આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવા માટે એક સાહસિક પ્રોજેક્ટને આગળ વધારશે