ઈસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) પંજાબ પ્રાંતમાં લોકોના ટોળાએ દુકાનમાંથી ચોરીનો (Thieves ) આરોપ લગાવીને કિશોરી સહિત 4 મહિલાઓની નગ્ન પરેડ (Naked Parade) કઢાવી હતી. ટોળાએ પહેલા ચારેયના કપડા ઉતાર્યા અને તેમને રસ્તા પર ખેંચી ગયા અને માર માર્યો હતો. આ ઘટના સોમવારે લાહોરથી લગભગ 180 કિલોમીટર દૂર ફૈસલાબાદમાં બની હતી.
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંજાબ પોલીસ એક્ટિવ, 5 લોકોની ધરપકડ કરાઇ
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, એક કિશોર સહિત 4 મહિલાઓ તેમની આસપાસના લોકોને તેમનું શરીર ઢાંકવા દે તે માટે વિનંતી કરતી જોવા મળી હતી. પરંતુ, ટોળાએ તેમની એક વાત ન સાંભળી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલાઓ પોતાની ઈજ્જત અને જીવનની ભીખ માંગતી રહી, પરંતુ લોકો માત્ર જોતાં જ રહ્યા હતા. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, મહિલાઓએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘અમે તરસ્યા હતા અને ઉસ્માન ઇલેક્ટ્રિક સ્ટોરની અંદર ગયા અને પાણીની બોટલ માંગી હતી. પરંતુ, તેના માલિક સદ્દામે અમારા પર આરોપ લગાવ્યો કે અમે દુકાનમાં ચોરી કરવાના ઇરાદાથી દુકાનમાં પ્રવેશ્યા હતા.
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંજાબ પોલીસના પ્રવક્તાએ મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ કમનસીબ ઘટનાના સંબંધમાં અમે 5 લોકોની ધરપકડ કરી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આમાં સંડોવાયેલા તમામ આરોપીઓને સજા અપાશે. આ દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે, તેમની સરકાર ધર્મના નામે ટોળાની હિંસા સહન કરશે નહીં. આ માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં.