સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર વહેલી સવારે અને મોડી રાત્રે આવતી ફ્લાઇટના (Flight) પેસેન્જર્સને (Passengers) ટેક્સી (Taxi Fair) ભાડા અને ઓટો રિક્ષાના ભાડાના નામે લૂંટવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ પેસેન્જર્સએ વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ (We Work For Working Airport Group) ના કોર મેમ્બરોને કરતાં ગ્રુપ દ્વારા આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (Airport Authority Of India ) ચેરમેન અને વેસ્ટર્ન રિજિયનના વડાને લેખિત ફરિયાદ (Complain) કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, વહેલી સવારે અને મોડી રાત્રે સુરત એરપોર્ટ પર જે પેસેન્જર્સ આવે છે તેમની પાસે ૨થી ૧૦ કિલોમીટરનું ૭૦૦થી ૧૦૦૦ રૂ. જેટલું ભાડું વસૂલવામાં આવે છે. જે પેસેન્જર આટલું ઊંચું ભાડું આપી શકતા નથી તેમને ટેક્સી અને ઓટો રિક્ષાના ચાલકો લઇ જતા નથી. ગ્રુપના અગ્રણી સંજય જૈને જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પરથી ટ્રાવેલ કરતા પેસેન્જરની અનેક ફરિયાદો ટેક્સી અને રિક્ષા ભાડાં માટે મળી રહી છે.
સુરત એરપોર્ટ ખાતે ટેક્સીવાળાનું એક યુનિયન જેવું બની ગયું છે અને ગમેતેમ ભાવ પેસેન્જર પાસે માંગવામાં આવે છે. તેમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન આવતી ફ્લાઇટના પેસેન્જર્સ પાસે આડેધડ ૫૦૦, ૮૦૦ અને ૧૦૦૦ રૂ. સિટી એરિયા માટે માંગવામાં આવે છે. ઓલા ટેક્સીવાળા પણ બુકિંગ લે છે અને કસ્ટમરને થોડીવાર રાહ જોવડાવે છે અને કસ્ટમર ઓટોમેટિક રાઇડ કેન્સલ કરાવી દે તેવી નીતિ અખત્યાર કરે છે. એરપોર્ટ ઉપર જ આ ઓનલાઇન ટેક્સી સર્વિસવાળા મનફાવે એ રીતે ૫૦૦થી ૮૦૦ રૂ. સુધીના ભાડાની માંગ કરે છે. પેસેન્જર પાસે કોઇ વિકલ્પ ન હોવાથી નાછૂટકે તે પૈસા આપવા પડે છે. આ બાબતની અનેક ફરિયાદો ગ્રુપમાં ઘણા સમયથી આવી રહી છે. તેમાંથી અમુક ફરિયાદોના સ્ક્રીન શોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, વેસ્ટર્ન રિજિયનના હેડને મોકલવામાં આવ્યા છે. આ સંદર્ભે ટેક્સી અને ઓટો રિક્ષાની કિલોમીટર દીઠ ભાડું અમદાવાદ અને મુંબઇ એરપોર્ટની જેમ નક્કી કરવા અને બોર્ડ લગાવવા માંગ કરવામાં આવી છે.
આ અગાઉ પણ આવી તકલીફો ઊભી થઈ હતી. ત્યારે ગ્રુપ દ્વારા સુરત મહાનગર પાલિકા સાથે ચર્ચા કરીને BRTS અને સિટી બસની કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે દર એક કલાકે એરપોર્ટથી સિટી બસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ ફ્લાઇટની કનેક્ટિવિટી અને પેસેન્જરના ધસારાને લઈ આ બસની વ્યવસ્થા અપૂરતી છે અને પેસેન્જર લગેજ સાથે હોવાથી ઘર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. તેથી તેઓ ટેક્સી અને ઓટો રિક્ષાની સેવાની ડિમાન્ડ કરે છે. અને અહીં ઓટો રિક્ષા ટેક્સીવાળાઓ આડેધડ ભાડું માંગી પેસેન્જર્સને હેરાન કરી રહ્યા છે.