નડિયાદ: નડિયાદ નગરપાલિકામાં ફરજ બજાવતાં નિવૃત્ત કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાની માંગ સાથે પાલિકા કર્મચારી યુનિયન છેલ્લાં ઘણાં સમયથી લડત લડી રહ્યું છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને અનેકોવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં ન હોવાથી મામલો ગરમાયો હતો. બુધવારના આ મામલાને લઇને પાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆતને પગલે ઘર્ષણની પરિસ્થિતી સર્જાયા બાદ અંતે ગુરૂવારે નિવૃત્તિ બાદ પણ નોકરી પર રાખવામાં આવેલા ૧૦ કર્મચારીઓને પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. મામલે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નડિયાદ નગરપાલિકામાંથી રીટાયર્ડ થયેલાં કર્મચારીઓને નોકરી પર પુન: રાખવામાં આવતાં હોવાથી પાલિકા કર્મચારી યુનિયનમાં ભારે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલાં યુનિયનના હોદ્દેદારો દ્વારા આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆતો કરી રીટાયર્ડ થયેલાં કર્મચારીઓને નોકરી પરથી છુટા કરવાની માંગ કરવામાં આવી હતી.
૬ જુલાઇ ૨૦૨૧ ના રોજ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ પાલિકાના ચીફ ઓફિસરે આ બાબતને ધ્યાને લીધી ન હતી. તદુપરાંત પુન: નોકરી પર રાખવામાં આવેલા રીટાયર્ડ કર્મચારીઓની નિમણુંકો રદ્દ કરવાના રાજ્ય સરકારના સામાન્ય વહીવટના ઠરાવ બાદ પણ પાલિકાના ચીફ ઓફિસરે કોઈ પગલાં ભર્યાં ન હતાં. જેને પગલે પાલિકા કર્મચારી યુનિયનના પ્રમુખ હિમાંશુભાઈ બારોટ દ્વારા બુધવારના રોજ પાલિકાની ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆતોનો મારો ચલાવી તાત્કાલિક ધોરણે આવા પુન: નિમણુક કરાયેલાં રિટાયર્ડ કર્મચારીઓને નોકરી પરથી છુટા કરવાની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને પાલિકા તંત્ર દ્વારા અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ૧૦ કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
વાર્ષિક એક કરોડ ઉપરાંતનો પાલિકાને બોજ
નડિયાદ નગરપાલિકામાંથી રીટાયર્ડ થયેલાં કર્મચારીઓને આઉટસોર્સીગથી પુન: નોકરી પર રાખવામાં આવતાં હોવાથી પાલિકાની તિજોરીને વાર્ષિક એક કરોડ ઉપરાંતનો બોજ પડી રહ્યો છે. તેમજ મહેકમ ખર્ચ થવાથી ચાલુ કર્મચારીઓ અન્ય લાભોથી વંચિત રહી જાય છે. માટે રીટાયર્ડ થયેલા તમામ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવે તે જરૂરી છે. -હિમાંશુ એચ. બારોટ, (પ્રમુખ-પાલિકા કર્મચારી યુનિયન)
પાંચ મહિના અગાઉ પણ આ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી
નડિયાદ નગરપાલિકામાંથી રીટાયર્ડ થયેલાં કર્મચારીઓને નોકરીમાં પરત નહી લેવા બાબતે પાલિકા કર્મચારી યુનિયનના પ્રમુખ હિમાંશુભાઈ બારોટ દ્વારા પાંચ મહિના અગાઉ તા.૬-૭-૨૧ ના રોજ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે રીટાયર્ડ થયેલાં કર્મચારીઓ પુન: નોકરી પર હાજર થઈને નાણાંકીય ગેરરીતી તેમજ કૌભાંડો આચરી રહ્યાં છે. ત્યારે આવા કર્મચારીઓને તાત્કાલિક નોકરીમાંથી છુટા કરવાની માંગ કરી હતી. જોકે, પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ રજુઆતને ધ્યાને લેવામાં આવી ન હતી.
ક્યા ક્યા કર્મચારીઓને છૂટા કરાયા
રમેશભાઇ મીઠાભાઇ પરમાર (સ્ટોર વિભાગ-પટાવાળા)
દિનેશભાઇ જોશી (ક્લાર્ક – સેનેટરી વિભાગ)
અશોકભાઇ દવે (ક્લાર્ક – એકાઉન્ટ વિભાગ)
ઉદયસિંહ પરમાર (ક્લાર્ક – એકાઉન્ટ વિભાગ)
પીનાકીનભાઇ પટેલ (ક્લાર્ક – એકાઉન્ટ વિભાગ)
મુકેશભાઇ દેસાઇ (ક્લાર્ક – વહીવટી વિભાગ)
સલીમભાઇ કાપડીયા (ક્લાર્ક – શોપ એક્ટ વિભાગ)
અતુલભાઇ એચ. પટેલ (વાલ્વમેન – વોટર વર્કસ વિભાગ)
મુકેશભાઇ કે. પટેલ (વાલ્વમેન – વોટર વર્કસ વિભાગ)
રામજીભાઇ એસ. મકવાણા (વાલ્વમેન – વોટર વર્કસ વિભાગ)
૪ કર્મચારીઓની ઉંમર ૬૨ વર્ષથી વધુ
પાલિકા દ્વારા આઉટસોર્સિંગ અને કરાર આધારિત નિમણુંક આપવામાં આવેલા ૭ કર્મચારીઓમાંથી ૪ કર્મચારીઓની ઉંમર ૬૨ વર્ષ કરતાં પણ વધુ છે. જેમાં રમેશભાઇ પરમાર ૧૨-૧૧-૨૦૨૧ ના રોજ, અશોકભાઇ દવે ૧૨-૧૦-૨૦૧૬ ના રોજ, ઉદયસિંહ પરમાર ૨૮-૮-૨૦૧૫ ના રોજ, સલીમભાઇ કાપડીયા ૧૦-૮-૨૦૨૦ ના રોજ, અતુલભાઇ એચ.પટેલ તા.૧૬-3-૨૦૧૮ ના રોજ, મુકેશ કે. પટેલ તા. ૭-૮-૨૦૨૧ ના રોજ તથા રામજીભાઇ એસ.મકવાણા તા. ૮-૪-૨૦૧૫ ના રોજ ૬૨ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. જ્યારે મુકેશભાઇ દેસાઇ હાલમાં ૬૧ વર્ષના, પીનાકીનભાઇ પટેલ અને દિનેશભાઇ જોશી હાલમાં ૫૯ વર્ષની ઉંમરના છે.
રાજ્ય સરકારે કરેલા ઠરાવની ૨૨ દિવસ સુધી અમલવારી ન કરાતાં મામલો ગરમાયો
રાજ્ય સરકારના તા.૧૧-૧૧-૨૧ ના રોજ ઠરાવમાં જણાવ્યું હતું કે, નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણુક સબંધેની જોગવાઈ અંતર્ગત રાજ્ય સરકારની પૂર્વ મંજુરી ન હોય તેવા કિસ્સાઓમાં સરકારના વિભાગો, ખાતાના વડા, રાજ્ય સરકારના તમામ બોર્ડ-કોર્પોરેશનો, તમામ ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ અને રાજ્ય સરકારની પૂર્ણ કે અંશત: સહાય લેતી સંસ્થાઓમાં કોઈ પણ સ્વરૂપે નિવૃત્ત કર્મચારી-અધિકારીની થયેલ નિમણુકોનો અંત લાવવાનો રહેશે. જોકે, ૨૨ દિવસ બાદ પણ નડિયાદ નગરપાલિકા દ્વારા ઠરાવની અમલવારી કરવામાં આવી ન હોવાથી મામલો ગરમાયો હતો.
પાલિકાના સત્તાધારી પક્ષના કાઉન્સિલરે પણ વિરોધ નોંધાવ્યો
નડિયાદ નગરપાલિકામાં રીટાયર્ડ થયેલાં કર્મચારીઓને નોકરીમાં પુન: રાખવાનો વિરોધ છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહ્યો છે. પાલિકા કર્મચારી યુનિયન દ્વારા બુધવારના રોજ કરવામાં આવેલા વિરોધમાં પાલિકાના સત્તાધારી પક્ષના એક કાઉન્સિલરના પતિએ પણ સાથ આપ્યો હતો અને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી.