સુરત: સુરત (Surat) માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશે પટેલે તો જાહેરાત કરી દીધી છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં શહેરમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે. હાલમાં શહેરમાં મેટ્રોના પ્રથમ ફેઝની (First Faze) કામગીરી માટે 6 મેઈન રોડ પણ વાહનવ્યવહાર માટે આંશિક બંધ કરી દેવાયા છે. ત્યારે હવે મેટ્રોના 40.35 કિ.મીના પ્રથમ ફેઝના રૂટ (Route) માટે કુલ 72 કોચ માટે જીએમઆરસી (GMRC) દ્વારા ટેન્ડર (Tendor) મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી (Dream city) સરથાણાના (Sarthana) 21.61 કિ.મીના રૂટ માટે કુલ 45 કોચ અને ભેંસાણથી સારોલી સુધીના 18.74 કિ.મી ના રૂટ માટે કુલ 27 કોચ રહેશે.
રૂા. 12,114 કરોડના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમ ફેઝના 40.35 કિ.મી ના રૂટ માટે 72 કોચ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujrat Metro Rail Corporation) દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના રૂટ પર શરૂઆતના તબક્કામાં કુલ 15 મેટ્રો રેલ દોડશે અને સારોલીથી ભેંસાણના રૂટ પર કુલ 9 મેટ્રો રેલ દોડશે તેમ જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
1 મેટ્રો રેલમાં 3 કોચ હશે: એક સાથે 764 લોકો મુસાફરી કરી શકશે
મેટ્રોના ફેઝ-1 માટે હાલમાં કુલ 72 કોચ માટે જીએમઆરસી દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના રૂટ 15 રેલ દોડશે. તેમજ સારોલીથી ભેંસાણ સુધીના રૂટ પર 9 મેટ્રો રેલ દોડશે. પ્રત્યેક રેલમાં 3-3 કોચ હશે. 3 કોચ મળીને 1 મેટ્રો રેલમાં 764 લોકો મુસાફરી કરી શકશે. જે પૈકી 136 લોકો બેસી શકશે અને અન્ય 528 માટે ઉભા રહેવાની કેપેસિટી હશે.
ડ્રીમસિટીથી સરથાણના રૂટ પર 6.5 મીનીટ અને સારોલીથી ભેંસાણના રૂટ પર 10 મિનીટની ફ્રિકવન્સીથી દોડશે
સુરત મેટ્રો માટે હાલમાં પ્રથમ ફેઝની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેમાં કુલ 40 સ્ટેશનો હશે. 32 એલીવેટેડ અને 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં જીએમઆરસી દ્વારા સરથાણાથી ડ્રીમસિટીના રૂટ પર કુલ 15 મેટ્રો રેલ 6.5 મીનીટના ફ્રીકવન્સીથી દોડશે. એટલે કે, આ રૂટ પર દર 6.5 મિનિટે એક મેટ્રો આવશે. તેમજ સારોલીથી ભેંસાણ સુધીના રૂટ પર 9 મેટ્રો રેલ દોડશે જે 10 મીનીટની ફ્રીકવન્સીથી દોડશે. એટલે કે, દર 10 મિનિટે એક મેટ્રો આવશે. તેમજ ભવિષ્યમાં જરૂર પડ્યે ફ્રીકવન્સી વધારવામાં પણ આવશે.
વર્ષ 2046 સુધીની વસતીને ધ્યાને રાખી કોચની સંખ્યા વધારી શકાય તેવુ આયોજન
હાલમાં પ્રથમ તબક્કામાં કુલ 72 કોચ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. તેમજ જ્યારે મેટ્રોના ફેઝ-2 ની કામગીરી શરૂ કરાશે ત્યારે કોચ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. તેમજ તબક્કાવાર 4 વાર મેટ્રો માટે કોચ મંગાવાશે તેમ જાણવામાં આવ્યું છે. વર્ષ 2046 સુધીમાં સુરત શહેરની વસતી જેમ વધશે અને જરૂરિયાત જણાશે તે રીતે કોચ વધારવામાં આવશે.