Charchapatra

જરા થોભો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી અને અટકળો ચાલુ થઈ ગઈ કે તેઓ નાગરિકતા સુધારા કાયદો અને નેશનલ રજીસ્ટર ઓફ   સિટીઝન્સ કાયદા પણ પાછા ખેંચી લેશે. કૃષિ કાયદા પાછા ખેંચવા પાછળ શું કારણ હોઈ શકે?  તેની ચર્ચા ચાલુ છે, પણ નાગરિકતા સુધારા ધારા અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સની રચના દેશને ઘુસણખોરોથી બચાવવા માટે થઇ છે. ભારતને કનડગત કરતા બે પડોશી મુસ્લિમ દેશોમાં મુખ્યત્વે પાકિસ્તાન અને બાંગ્લા દેશમાં હિન્દુ સહિતની લઘુમતીઓને ભયંકર રીતે હેરાન કરવામાં આવે છે અને ત્યાંની બહુમતી પ્રજા પણ આ બાબતમાં પાછળ નથી.

હેરાન કરનારાઓને ભારતમાં રક્ષણ આપવાની વાત વિચારવાનો પ્રશ્ન જ નથી. બલ્કે આ કાયદાનો ગેરલાભ લઇ ત્યાંની બહુમતી ધર્મના લોકો ઘુસણખોર તરીકે ભારતમાં આવી જાય તો તેની સામે કોઈ રક્ષણ છે? આપણી પડોશના એ બંને મુસ્લિમ દેશો લુખ્ખા  અને દરિદ્ર છે. ૧૯૭૧ માં તે સમયના પૂર્વ પાકિસ્તાનમાંથી લાખો બાંગ્લા દેશીઓ શરણાર્થી તરીકે ભારતમાં ઘૂસી આવ્યા હતા અને ભારતે તેનો બોજ ઉઠાવ્યો હતો. આજે પણ મોટી સંખ્યામાં બાંગ્લા દેશી અને પાકિસ્તાની ઘુસણખોરો ભારતમાં આવે છે તો તેના માટે રાજકારણથી પર રહીને અસરકારક કાયદો હોવો જોઈએ. મોદી વિરોધી રાજકારણ રમવામાં વિરોધ પક્ષો ઘણી વાર રાષ્ટ્રહિત ભૂલી જાય છે. એ સારી નિશાની નથી.હકીકતમાં આ બંને કાયદા દેશના નાગરિકોના હિતની વિરુદ્ધમાં નથી પણ દેશનું હિત અને જાહેર સલામતી  જોવા માટે છે.
સુરત     – સુનીલ રા.બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top