Gujarat

બાળકોને વૈવિધ્યસભર વાર્તાઓનો વારસો મળે તેવા પ્રયાસો કરવામાં આવશે : શિક્ષણ મંત્રી

ગિજુભાઇ બધેકાની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે ગિજુભાઇની સ્મૃતિમાં તેમના જન્મ દિવસ- ૧૫મી નવેમ્બરને “બાલવાર્તા દિન” તરીકે ઉજવવા તથા આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવવા માટેની શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે એસટીટીઆઇ, જીસીઇઆરટી કેમ્પસ, ગાંધીનગર ખાતે “બાલવાર્તા વર્ષ ઉજવણી સમિતિ”ની એક બેઠક મળી હતી.

ગિજુભાઇ બધેકા દ્વારા બાલવાર્તા, બાલસાહિત્ય ઉપરાંત બાલ પદ્ધતિ શાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો અને પ્રદાનના વ્યાપક પ્રચાર-પ્રસાર માટેના આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાધાણી દ્વારા રાજ્યના બાળકો, તેમના વાલીઓ, શિક્ષકો સુધી બાળકોને ઉપયોગી રસપ્રદ વાર્તાઓનું સર્જન, સંગ્રહ, તેનો પ્રસાર અને તેના ઉપયોગ માટેની વ્યૂહરચના તૈયાર કરવા માટે સમિતિને જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ તમામ બાબતોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ભલામણોને સાથે સંકલન કરી અભ્યાસક્રમ સાથે જોડવા માટે સૂચન કર્યુ હતુ. આ વર્ષની ઉજવણી દરમિયાન બાળકોને તેમની ભાષામાં વૈવિધ્યસભર વાર્તાઓનો વારસો મળે અને તેમની પ્રારંભિક ભાષા કૌશલ્યોના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

ગીજુભાઇ બધેકા વિશે

ગુજરાતમાં આશરે ૯૦ વર્ષ પહેલાં ગીજુભાઇ બધેકા દ્વારા પૂર્વપ્રાથમિક તેમજ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકો માટે બાળ સાહિત્યનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યુ હતું. બાળકોમાં ભાષા કે વિચારો અસરકારક રીતે રજૂ કરવા માટેનું માધ્યમ વાર્તા છે, એવુ તેમના પ્રયોગોથી સ્પષ્ટ થઇ ચૂક્યુ છે. ગીજુભાઇ બધેકા બાળ-કેળવણીકાર અને ગુજરાતી બાળસાહિત્યના સર્વપ્રથમ સમર્થ પુરસ્કર્તા છે. તેમણે વિપુલ માત્રામાં બાળસાહિત્ય આપ્યું છે. તેથી જ કાકાસાહેબ કાલેલકરે તેમને ‘બાળસાહિત્યના બ્રહ્મા’ કહ્યા છે.

Most Popular

To Top