Surat Main

સુરતમાં ૪૫૦ ગ્રામ સોના અને ૧૨,૦૦૦ નેચરલ ડાયમંડથી બનેલી છત્રી આકર્ષણનું કેન્દ્ર, આ પ્રદર્શનમાં લોકોને જોવા મળશે

સુરત: (Surat) ડાયમંડ કટીંગ એન્ડ પોલિશિંગ પછી હવે સુરત ડાયમંડ જવેલરી મેન્યુફેકચરીંગનું હબ બની રહ્યું છે. સુરતમાં બનતી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીને (Gold and diamond jewellery) પ્રમોટ કરવા માટે પ્રથમવાર સુરત જવેલરી મેન્યુફેકચર્સ એસોશિએશન દ્વારા ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન જેમ એન્ડ જવેલરી એકિઝબીશન (Gem And Jewellery Exhibition) યોજવામાં આવશે.

આ સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધતા એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયા અને કલ્પેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૦૫ જેટલા મેન્યુફેકચર્સ ભાગ લેશે. તેમાં સુરતનો ૭૭ મેન્યુફેકચર્સનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કેન્દ્રના ટેક્ષટાઇલ અને રેલવે રાજય મંત્રી દર્શના જરદોશ અને ગૃહ રાજય મંત્રી અને હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કરાશે. પ્રદર્શનમાં અમેરિકા, બ્રિટન અને હોંગકોંગથી બાયરો આવશે. જયારે દેશમાંથી દિલ્હી, મુંબઇ, અમદાવાદ, હૈદ્રાબાદ, કોલકાતા, બેંગ્લોર, જયપુર અને ચૈન્નાઇથી ૮ હજાર બાયરોનું રજીસ્ટ્રેશન મળ્યું છે. આ બી ટુ બી પ્રદર્શનમાં ૧૭૫ કેરેટના ૧૨૦૦૦ ડાયમંડ અને ૪૫૦ ગ્રામ સોનામાંથી બનેલી ડાયમંડ જડિત છત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે. વિદેશના બાયર દ્વારા પેન્ડન્ટ તરીકે વપરાશમાં લેવા તેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. યુરોપના દેશોમાં સુરતમાં બનતી હીપોપ જવેલરીની ડીમાન્ડ છે. આ પ્રદર્શનમાં ડાયમંડ સ્ટડેડ પેન પણ રજૂ કરવામાં આવશે. ડોકટર સ્નેહલ ડુંગરાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં પ્રથમવાર લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ અને તેમાંથી બનતી જવેલરી આધુનિક મશીનરીઓ સાથે રજૂ કરવામાં આવશે.

છેલ્લા છ મહિના દરમિયાન સુરતમાં ૭૦ ડાયમંડ જવેલરી મેન્યુ. એકમો શરૂ થયા

એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ૨૦૨૧ ના છેલ્લા છ મહિનામાં સુરતમાં ૭૦ જેટલી ડાયમંડ જવેલરી મેન્યુ. કંપની શરૂ થઇ છે. સુરતમાં અત્યારે ૪૫૦ જેટલી જવેલરી મેન્યુ. કંપની ચાલી રહી છે. તેમાં ૭ થી ૮ કંપની લેબગ્રોન ડાયમંડ જવેલરી બનાવી રહી છે.

Most Popular

To Top