સુરત: (Surat) શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (University) દ્વારા એમ.એ માસ કોમ્યુનિકેશન (Mass Communication) અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક પ્રવેશ સ્થગિત કરવા ભલામણ કરાઇ છે. ઓછી સંખ્યામાં પ્રવેશ આવતા હોવાથી આથિર્ક રીતે પહોંચી વળવું અઘરું હોવાથી યુનિ.એ આ પગલુ ભરવુ પડયુ છે. મીડિયાનો (Media) આ અભ્યાસ ગ્લેમરસ ફિલ્ડ સાથે જોડાયેલો હોવા છતાં વધુ ફીસના કારણે વિદ્યાર્થીઓ નહીં મળતા હોવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ નર્મદ યુનિવર્સિટી એમ.એ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી બંધ કરશે.
- યુવાઓમાં મીડિયા અને ગ્લેમરનું આકર્ષણ હોવા છતાં માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ યુવાઓને આકર્ષી શક્યો નહીં
- નર્મદ યુનિવર્સિટી એમ.એ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી બંધ કરશે
પ્રવર્તમાન સમયમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પબ્લિક રીલેશન ઓફિસર અને પ્રચારના વિવિધ માધ્યમો યુવાઓ માટે આકર્ષિત અને ગ્લેમરનું માધ્યમ બન્યાં છે. દેશભરમાં ઇલેકટ્રોનિક મિડીયાની ભરમાર લાગી છે. રોજ નવી નવી સેટેલાઇટ નેશનલ તેમજ રીઝયોનલ ચેનલ લોંચ થઇ રહી છે. મિડીયા ક્ષેત્રે મોટા ગૃપ મેદાનમાં ઉતરી રહયા છે. નેશનલ લેવલે ચેનલો ઉપર ઘણા ચહેરા યુવા પેઢી માટે આદર્શ બની રહયા છે. એટલું જ નહીં મીડિયા થકી રોજગારી પણ મેળવી શકાય છે. તેમ છતાં આ કોર્ષમાં હવે નવા યુવાનો આવી રહયા છે. આ ઉપરાંત સરકારી, અર્ધસરકારી, એનજીઓ, ખાનગી કંપનીઓમાં પણ મીડિયા અને કંપની વચ્ચે સેતુ બની રહે તે માટે પબ્લિક રીલેશન ઓફિસર હોય છે. જેના માટે માસ કમ્યુનિકેશન અથવા જર્નાલિઝમના અભ્યાસની લાયકાત હોવી જરૂરી છે. તેમ છતાં સુરતની નર્મદ યુનિવર્સિટીને માસકોમ્યુનિકેશન વિભાગમાં વિદ્યાર્થીઓ નથી મળી રહ્યાં.
આ અંગે માહિતી આપતા નર્મદ યુનિવર્સિટીના એકેડમિક સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહયું હતુ કે નર્મદ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં એમ.એ માસ કોમ્યુનિકેશન અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૦૭-૨૦૦૮ થી ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રવેશની સરેરાશ સંખ્યા ૧૧ નોંધાય છે. આર્થિક રીતે અભ્યાસક્રમ ચાલુ રાખી શકાય તે સંભવ નથી. જેને પગલે આ અભ્યાસક્રમ બંધ કરવા સંદર્ભે એકેડેમિક કાઉન્સિલમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી એમ.એ માસ કોમ્યુનિકેશન સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ આગામી નિર્ણય સુધી સ્થગિત કરવામાં આવે છે. જે અંગે સિન્ડિકેટને ભલામણ કરવામાં આવે છે.