કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારની ૪૪ ગ્રામ પંચાયતોની આગામી ૧૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ચુંટણી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણીનો માહોલ જામ્યો છે, સ્થાનિક સ્વરાજ ધરાવતી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રિપાંખીય સંસ્થાઓમાં ગ્રામ પંચાયત ક્ષેત્રે મુખ્ય વહીવટદાર તરીકે નિષ્પક્ષ એવા સરપંચનું મહત્વ વધારે હોવાથી પંચાયતના સરપંચ બનવા માટે આંતરિક દાવપેચ સાથે દાવેદારો વચ્ચે ઘમસાણ વધી જતું હોય છે.
જેથી ગ્રામ પંચાયતની ચુંટણી લડવા માટે ઇચ્છુક સરપંચ અને દરેક વોર્ડમાં પોતાના સભ્યોની પેનલ બનાવવા માટે દાવેદારોએ સોમવારથી દોડધામ પણ શરૂ કરી દીધી છે. કાલોલ તાલુકા વિસ્તારમાં ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણી માટે આગામી ૧૦ જેટલા ચુંટણી અધિકારીઓની નિમણૂંક કરી ૨૯ નવેમ્બરે પંચાયતદીઠ ફાળવણી કરી જાહેરનામુ પ્રસિદ્ધ કરી ૨૯ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી ફોર્મ લેવા ભરવામાં આવશે, ૬ ડિસેમ્બરે ફોર્મ ચકાસણી અને ૭ ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી આગામી દિવસોમાં ચુંટણીલક્ષી પુર્વતૈયારીઓ તદ્ઉપરાંત સોમવારથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ જતા તંત્રની કામગીરી અને જવાબદારીઓ અંતર્ગત સજ્જ થવાની જરૂરી કવાયત હાથ ધરી છે. અત્રે કાલોલ તાલુકા વિસ્તારની ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણી માટે નવી મતદારયાદી મુજબ ૫૧,૬૫૨ પુરુષ મતદારો – ૪૮,૦૮૮ સ્ત્રી મતદારો મળી કુલ ૯૯,૭૪૦ મતદારો બેલેટ પેપર પર મતદાન કરશે.
આથમણા-ઉતરેડિયામાં મહિલા મતદારનો વર્ચસ્વ
કાલોલ તાલુકા વિસ્તારમાં ૪૪ ગ્રામ પંચાયતો મધ્યે વેજલપુર ગ્રામ પંચાયતમાં ૯૩૭૧ મતદારો સૌથી વધારે મતદારો ધરાવતી પંચાયત અને ૫૦૦ મતદારો સાથે નવેરીયા પંચાયત સૌથી ઓછા મતદારો ધરાવતી પંચાયત જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આથમણા પંચાયતમાં ૮૦૮ પુરુષ મતદારો સામે ૮૩૧ મહિલા મતદારો અને ઉતરેડિયા પંચાયતમાં ૩૫૦ પુરુષ મતદારો સામે ૩૯૬ મહિલા મતદારો હોવાથી આ બે પંચાયતોમાં મહિલા મતદારોનું વર્ચસ્વ જોવા મળે છે.