નવસારી: (Navsari) પર્યાવરણ માટે સૌથી સુરક્ષિત ગણાતા ઈ-વાહનોમાં પણ અચાનક બ્લાસ્ટ થવાનો કિસ્સો સામે આવ્યો છે. ગેસથી ચાલતાં વાહનો અચાનક આગ (Fire) લાગવાથી સળગી જવાના બનાવો વારંવાર બનતાં રહે છે પરંતુ ઈ-વાહનમાં ધડાકો (Blast) થાય ને સળગી જવાનો આ પ્રથમ કિસ્સો બનતા લોકો ચોંકી ઊઠ્યા છે. જલાલપોરના મછાડ ગામે રાત્રે ઘર આંગણે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડમાં (Electric Moped) બ્લાસ્ટ થયો હતો. ધડાકાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા અને પાણી છાંટી આગ ઓગવી હતી. માથાકૂટ બાદ આખરે ડિલરે ઈ-મોપેડ બદલી આપી હતી.
- જલાલપોરના મછાડ ગામે છ મહિના પહેલા જ ખરીદેલી ઈ-મોપેડ ઘર આંગણે પાર્ક કરી હતી, તેમાં રાત્રે ધડાકો થતાં બળી ગઈ
- ધડાકાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા ને પાણી નાંખી આગ આોલવી, માથાકૂટ બાદ ડિલરે ઈ-મોપેડ બદલી આપી
જલાલપોર તાલુકાના મછાડ ગામે રહેતા કેનિલ શૈલેષભાઈ પટેલે ગત માર્ચ મહિનામાં નવસારીમાંથી ઈ-બાઈક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી 63 હજાર રૂપિયામાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી હતી. 1 ગત 5મીએ કેનિલે તેની ઈ-મોપેડ રાત્રે તેના ઘર પાસે મૂકી હતી. દરમિયાન રાત્રે અચાનક તેની ઈ-મોપેડમાં બ્લાસ્ટ થયો હોવાનો અવાજ આવ્યો હતો. જેથી કેનિલ તેના પરિવારજનો અને અન્ય પાડોશીઓ જાગી ગયા હતા. તેઓએ બહાર આવીને જોયું તો તેમની ઈ-મોપેડ ભડભડ બળી રહી હતી. જેથી લોકોએ પાણી નાંખી આગ ઓલવી હતી. આ ઘટના અંગે કેનિલનાં પિતા શૈલેષભાઈએ ઈ-મોપેડના ડિસ્ટ્રીબ્યુટર ડિલરને ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી. સાથે જ ઈ-મોપેડ બદલી આપવા માટે જણાવ્યું હતું. જેને લઈને તેઓ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. જોકે બાદમાં ડિલર ઈ-મોપેડ બદલી આપી હતી.
સરકાર ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા આગ્રહ કરે છે, ત્યારે આ ઘટનાની લોકો અચંબિત
હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારો થયો હતો. જેથી લોકો હવે ઇલેક્ટ્રિક બાઈક લેવા માટે વિચારી રહ્યા હતા. તો કેટલાક લોકોએ ઇલેક્ટ્રિક બાઈક લઈ પણ લીધી હતી. બીજી તરફ રાજ્ય સરકાર પણ લોકોને ઇલેક્ટ્રિક બાઈક લેવા માટે આગ્રહ કરી રહી છે. સાથે જ વિવિધ જગ્યાએ ચાર્જિંગ પોઇન્ટ લગાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઇલેક્ટ્રિક બાઈક બ્લાસ્ટ થવી એ એક ચેતવણી સમાન છે.