Entertainment

‘જ્યાં દિવસે મહિલાઓની પૂજા અને રાત્રે ગેંગરેપ થાય છે’ વીરદાસની કવિતા પર હંગામો, કંગનાએ કહ્યું, ‘ઘટીયા માણસનો સોફ્ટ આતંકવાદ’


સ્ટેન્ડઅપ કોમેડિયન અને બોલિવુડ એક્ટર વીરદાસ વિવાદમાં સપડાયો છે. અમેરિકાના વોંશિગ્ટન ડી.સી.માં આવેલા જ્હોન કેનેડી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સમાં વીરદાસે એક કવિતાનું પઠન કર્યું હતું. આ કવિતાના લીધે તેની પર દેશભરમાંથી માછલાં ધોવાઈ રહ્યાં છે. પ્રજા, નેતા તેની કવિતાને વખોડી રહ્યાં છે તો કેટલાંક જાગૃત નાગરિકો અને વકીલો તેની વિરૂદ્ધ દેશભરમાં ફરિયાદો દાખલ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તો બેન વીરદાસ, વીરદાસ દેશ છોડીને જતો રહે તેવા ટ્વીટ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં વીરદાસે અમેરિકામાં એક સ્ટેન્ડ અપ કોમેડી એક્ટ કર્યો હતો, જેમાં તેણે I come from two India કવિતાનું પઠન કર્યું હતું અને આ કવિતાનો છ મિનિટ નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીર દાસ કવિતામાં કહે છે કે, મેં ઉસ ભારત સે આતા હું, જહાં દિન મેં મહિલાઓ કી પૂજા કી જાતી હૈ ઔર રાત કો ઉન પર ગેંગરેપ કીયા જાતા હૈ.. કવિતાની આ લાઈનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વીરદાસે કવિતામાં વેજ-નોનવેજનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. તે કહે છે, મેં ઉસ ભારત સે આતા હું, જહાં હમ વેજિટેરિયન હોને મેં ગર્વ મહસૂસ કરતે હૈ, લેકિન ઉન્હી કિસાનો કો કુચલ દેતે હૈ, જો યે સબ્જિયાં ઉગાતે હૈ..

વીર દાસ ની આ કવિતાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બોમ્બે હાઇકોર્ટના એડવોકેટ આશુતોષ દુબેએ કોમેડિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને સોશિયલ મીડિયામાં કોપી શેર કરતા લખ્યું કે, વીરદાસ અમેરિકામાં ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આ અપમાનજનક નિવેદન બદલ ભારતના દરેક ખૂણેથી વીરદાસ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

લોકોએ કહ્યું, ભારત છોડી જતો રહે તો શશી થરૂર વીરદાસના સપોર્ટમાં આવ્યા

આ કવિતાના કારણે વીરદાસને લોકોએ સોશિયલ મિડીયા પર વખોડ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ લખે છે કે, ભારત માટેનું વીરદાસનું નિવેદન તદ્દન બક્વાસ, વાહિયાત અને શરમજનક છે. જ્યાં એક બાજુ નાસામાં મૂર્તિ પૂજા કરી ભારતને ગૌરવ અપાવનારા ભારતીયો છે ત્યાં બીજી બાજુ વીર દાસ જેવા દેશદ્રોહી છે જે ભારતમાં સ્ત્રીઓને અસલામત ચિતરી રહ્યા છે. તો અમુક લોકોના મતે પૈસા અને પ્રસિદ્ધિની હલકી ભૂખ તેની પાસે આવું કરાવી રહી છે. લોકો મુજબ જો તેને ભારત દેશથી આટલી તકલીફ હોય તો તેણે ભારત દેશ છોડી દેવો જોઈએ.
તો બીજી તરફ વીરદાસ ને વિરોધ પક્ષના રાજકારણીઓ, પત્રકારો અને કાર્યકર્તાઓનું સમર્થન પણ મળ્યું છે. શશી થરુરના જણાવ્યા મુજબ એક સ્ટેન્ડ-અપ કોમેડિયન સ્ટેન્ડ અપ શબ્દનો સાચો અર્થ જાણે છે અને લાખો લોકો તરફથી ઉભો થઇ વાત કરે છે. કોંગ્રેસના ધારાસભ્ય કપિલ સિબ્બલે જણાવ્યું કે એમાં કોઈ શંકા નથી કે ભારત બે છે. વાત ફક્ત એટલી જ છે કે, આપણે દુનિયાને તેના વિશે જણાવું નથી તેમના મત મુજબ આપણે અસહિષ્ણુ અને દંભી છે.

કંગનાએ ભારતીય પુરુષોને ગેંગરેપિસ્ટ તરીકે દર્શાવનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

વીર દાસ વિરુદ્ધ મોરચો ખોલતા કંગના રનૌતે અમેરિકામાં વીરદાસ દ્વારા કરાયેલી હરકતને સોફ્ટ આતંકવાદ સાથે સરખાવી છે. કંગનાએ લખ્યું, ‘આ એક એવા લુચ્ચા ભારતીય માણસનું ઉદાહરણ છે, જે કોઈ પણ કામમાં સારો નથી. તેથી જ તે આ મૂર્ખતા તેના જેવા લોકોને વેચે છે.’ આ સાથે કંગના રનૌતે વીર દાસ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. કંગના રનૌતે લખ્યું કે, ‘જ્યારે તમે તમામ ભારતીય પુરુષોને ગેંગરેપિસ્ટ તરીકે દર્શાવો છો, તો આનાથી તમે જાતિવાદને પ્રોત્સાહન આપો છો અને વિશ્વભરમાં ભારતીયોનું અપમાન કરો છો. આ રીતે સમગ્ર જાતિને નિશાન બનાવવાનું સર્જનાત્મક કાર્ય એક પ્રકારનો આતંકવાદ છે. 

વીરદાસે માફી માંગી, કહ્યું, દેશનું અપમાન કરવાનો મારો ઈરાદો નહોતો

વિરોધ વધતાં વીરદાસએ માફી માંગવી પડી છે. તેને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકીને સ્પષ્ટતા કરી છે કે મારો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહોતો. મારો ઈરાદો ફક્ત એ યાદ અપાવવાનો હતો કે બે અલગ વિચારો ધરાવતા લોકો હોવા છતાં પણ આ દેશ મહાન છે અને લોકો ભારતને સન્માન આપે છે. ભારત સામે આશાની નજરથી જુએ છે. મને મારા દેશ પર ગર્વ છે. વધુ સ્પષ્ટતા કરતા લખ્યું કે, હું અપીલ કરું છું કે , સારી બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરો. ભારતની મહાનતા યાદ રાખો અને પ્રેમભાવ ફેલાવો.

Most Popular

To Top