SURAT

સુરતમાં 7 દિવસમાં ઔદ્યોગિક કામદારો અને સ્ટાફ વેક્સિનના ડોઝ વિના પકડાશે તો આ કાર્યવાહી થશે

સુરત: (Surat) દિવાળી વેકેશન (Diwali Vacation) પછી રાજ્યમાં કોરોના કેસ વધતાં રાજ્ય સરકારે ઔદ્યોગિક (Industries) વસાહતમાં કામ કરતા કારીગરો અને ઓફિસસ્ટાફ માટે વેક્સિનના (Vaccine) બંને ડોઝ ફરજીયાત બનાવ્યા છે. જો 7 દિવસમાં ઔદ્યોગિક કામદારો અને તેને સંલગ્ન સ્ટાફ વેક્સિનના ડોઝ વિના પકડાશે તો કારખાનાના સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આાવશે. સચિન ઇન્ડસ્ટ્રીઝ એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયા અને સોસાયટીના સેક્રેટરી નિલેશ કોરાટે જણાવ્યું હતું કે જીઆઇડીસીમાં કામ કરતા કારીગરો અને ઓફિસના સ્ટાફને વેક્સિનના બંને ડોઝ અપાવવા જીઆઇડીસી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં સૌથી વધુ કારીગરો સચિન જીઆઇડીસીમાં અને તેને અડીને આવેલા વિસ્તારોમાં કામ કરતા હોવાથી સરકારે જીઆઇડીસીના વેક્સિનેશન સેન્ટર પર જઇ કારીગરોને ડોઝ અપાવવા જણાવ્યું છે. સોસાયટીએ આ મામલે તમામ ઉદ્યોગકારોને પત્ર લખી જાણ કરી છે. કારખાનાઓમાં કેટલાક કારીગરોએ પહેલો અને બીજો ડોઝ નથી લીધો તેની વિગત સોસાયટી દ્વારા મંગાવવામાં આવી છે. કારીગરોને જીઆઇડીસીના ફાયર સ્ટેશનમાં આવેલા સેન્ટરમાં લઇ જઇ રસી મુકાવવા કારખાનેદારોને જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા એવી સૂચના મળી છે કે, જો ચેકીંગ દરમ્યાન વેક્સિન લીધા વિનાના કર્મચારીઓ પકડાશે તો સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

લોકો આળસ ખંખેરી સતત બીજા દિવસે બીજો ડોઝ લેવા દોડ્યા: 22,466એ બીજો ડોઝ લીધો

સુરત: સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી કોવિડ-19 વેક્સિનેશન અભિયાન અંતર્ગત શહેરમાં કુલ 106 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 76 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. શહેરમાં ઘણા લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવામાં ઘણી આળસ કરી રહ્યા છે. જેથી હવે જાહેર સ્થળોએ ફુલ્લી વેક્સિનેટેડ લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે તેવી જાહેરાત સુરત મનપાએ કરી દીધી છે જેને પગલે બીજો ડોઝ લેવામાં આળસ કરનારા, હવે તાકીદે બીજો ડોઝ મુકાવવા આગળ આવી રહ્યા છે. મંગળવારે શહેરમાં કુલ 30,019 લોકોએ વેક્સિન મુકાવી હતી. જે પૈકી 22,466 લોકોને બીજો ડોઝ અને 7553 લોકોને પ્રથમ ડોઝ મુકવામાં આવ્યો હતો.

મનપા સંચાલિત તમામ ઓફિસો અને હવે ખાનગી સ્થળોએ ફુલ્લી વેક્સિનેટેડ હોવાનો નિયમ લાગુ કરવા પાછળનું કારણ પણ એ જ છે કે, લોકો ઝડપથી ફુલ્લી વેક્સિનેટેડ થઈ જાય. શહેરમાં હજી પણ 6,20,438 લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તે પૈકી 1,33,218 લોકોને પ્રથમ ડોઝ લીધાના 84 દિવસની ઉપર પણ દોઢ માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં બીજો ડોઝ લેવા આવ્યા નથી. જેથી મનપાએ કડક નિયમ લાગુ કરતાં જ સતત બીજા દિવસે લોકોએ વેક્સિન લેવા માટે હેલ્થ સેન્ટરો પર દોટ મુકી હતી.

Most Popular

To Top