સુરત: (Surat) દિવાળી બાદ બિલ્લીપગે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. શહેરમાં બહારથી ફરીને પરત ફરતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જાહેર સ્થળો પર લોકોનાં વેક્સિનની (Vaccine) સર્ટિ. ચેક કરવામાં આવી રહ્યાં છે. હજી પણ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર સમારંભોમાં માત્ર 400 લોકોને જ ભેગા થવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ રાજકારણીઓને જાણે કોઈ નીતિ-નિયમો લાગુ પડતા નથી. તેમ હવે 24મી નવેમ્બરે શહેરમાં ભાજપના (BJP) સ્નેહમિલન (Reunion) કાર્યક્રમમાં 30,000 લોકોની જનમેદની (Mass Public) ભેગા થવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
- રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર સમારંભોમાં માત્ર 400 લોકોને જ ભેગા થવાની પરવાનગી આપવામાં આવી છે
- રાજકારણીઓને કોઈ નીતિ-નિયમો લાગુ પડતા નથી
- શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તમામને જનમેદની ભેગી કરવા અને કાર્યક્રમની તૈયારીઓમાં જોતરી દેવાયા છે
24મી નવેમ્બરે શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તમામને જનમેદની ભેગી કરવા અને કાર્યક્રમની તૈયારીઓમાં જોતરી દેવાયા છે. જેમાં 30,000 કરતાં પણ વધુ લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેમાં હવે આવનારા દિવસોમાં કોરાનાનું સંક્રમણ વધે તો નવાઈ નહીં!
મનપાએ નોક-ધ-ડોર અભિયાન હેઠળ ઘરે ઘરે જઈને 10,000 કરતાં વધુને વેક્સિન આપી
સુરત: રાજ્યમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનો 100 ટકા લક્ષ્યાંક સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો. હાલમાં મનપા દ્વારા શહેરમાં કુલ 106 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને 76 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. શહેરમાં વેક્સિનેશન ઝડપથી પૂર્ણ થાય એ માટે મનપા દ્વારા નોક-ધ-ડોર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છેલ્લા 3 દિવસમાં મનપાની 110 ટીમ દ્વારા કુલ 10,980 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શહેરીજનો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આળસ કરી રહ્યા છે. જેથી મનપા દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મનપાએ ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની શરૂઆત 10મી નવેમ્બરથી કરી છે. હાલમાં છેલ્લા ત્રણ જ દિવસમાં મનપાની ટીમે 10,980 લોકોને બીજો ડોઝ આપ્યો છે.