કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર રસ્તા ઉપર ધંધો કરનાર લોકોને હોકર્સ ઝોન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે એ માટે પોલિસી બનાવી છે. પરંતુ સરકારે આજદિન સુધી તેનો અમલ કર્યો નથી. સરકારે સંકુચિત માનસિકતાનો પરિચય આપતાં રાજકીય કારણોસર માનવતાને નેવે મૂકી ગરીબોની લારીઓ હટાવવાનો ભેદભાવપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, તેવું કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ નીવડી છે. હવે ઈંડાં અને નોનવેજની લારીઓના નામે મતોનું ધ્રુવીકરણ કરી રાજનીતિ કરવા માંગે છે. ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે હવે કોઈ જ મુદ્દા રહ્યા નથી. પ્રજાની સુખાકારી અને વિકાસ હવે સમાપ્ત થઈ ગયો હોય તેવું લાગે છે. તેથી રાજ્ય સરકાર ઈંડાં અને નોનવેજ લારીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લઈ મતોના ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે
ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યું હતું કે, ઈંડાં અને નોનવેજની લારીઓ પવિત્ર ધાર્મિક સ્થળોની આસપાસ લાગણી દુભાય તેવી જગ્યાએ ઊભી રાખવી જોઈએ નહીં. જો મનપા દ્વારા ધાર્મિક સ્થળોની આસપાસ ઊભી રહેતી ઈંડાં અને નોનવેજની લારીઓ દૂર કરવાની વાત કરી હોત તો તે વ્યાજબી હોત. પરંતુ ગરીબ લોકો પેટિયું રડવા માટેની ઊભી રાખતાં લારીઓ હટાવવાનો રાજકીય નિર્ણય લઇ ભેદભાવપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સરકારે વેન્ડર પોલિસીનો અમલ કરી હોકર્સ ઝોન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવી જોઈએ