National

થાળી-દીવડાને એક વર્ષ પૂરું: કોરોના મામલે ભારતની સ્થિતિ ઓર ગંભીર

દીવા સળગાવવા, થાળી વગાડવાને એક વર્ષ પુરું: ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે.ગયા વર્ષની દસમી એપ્રિલની તે રાત યાદ કરો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને લાખો લોકોએ કેટલીક મીનિટો માટે પોતાના ઘરોની લાઇટો બંધ કરી દીધી હતી અને મીણબત્તીઓ, દીવાઓ પ્રગટાવ્યા હતા અને ફરી થાળીઓ વગાડી હતી.

કોરોના વૉરિયર્સની સાથે એકતા બતાવવા અને કોરોનાવાયરસ સામેની સામૂહિક લડાઇમાં જોમ પુરવા મોદીએ આ અપીલ કરી હતી અને ઘણા લોકો માનતા હતા કે આ લડત ટૂંક સમયમાં પુરી થઇ જશે અને આપણો વિજય થશે, પરંતુ આજે બરાબર એક વર્ષ પછી જોઇએ છીએ તો કોરોનાવાયરસના રોગચાળાની બાબતમાં ભારતની સ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે.

દેશવ્યાપી લૉકડાઉનનો અમલ શરૂ થયો તેના થોડા દિવસ પછી વડાપ્રધાન મોદીએ દેશને વીડિયો સંદેશ વડે અપીલ કરી કે દસમી એપ્રિલની રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓ પોતાના ઘરોની ઇલેકટ્રીક લાઇટો ઓલવી નાખે અને માટીના દીવા કે મીણબત્તીઓ પ્રગટાવે અને તે ન હોય તો ટોર્ચ કે મોબાઇલની લાઇટ પણ સળગાવે.

કોરોનાવાયરસ સામેની લડતમાં દેશની એકતા અને સામૂહિક નિર્ધારને પ્રગટ કરવા માટે આવું કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી. તેમની અપીલને દેશમાં લાખો લોકોએ માન આપ્યું હતું. તે સમયે દેશમાં કોવિડ-૧૯ના કન્ફર્મ્ડ કેસો ૬૭૬૧ હતા જયારે મૃત્યુઆંક ૨૦૬ હતો. આજે એક વર્ષ પછી શનિવારે એક જ દિવસના નવા કેસો ૧૪૫૩૮૪ નીકળ્યા છે અને દેશનો કેસોનો કુલ આંક તો એક કરોડ બત્રીસ લાખને પાર થઇ ગયો છે અને કુલ મૃત્યુઆંક ૧૬૮૪૩૬ થયો છે.

દેશમાં અનલોકની પ્રક્રીયા વચ્ચે સપ્ટેમ્બર પછી કેસો ઘટવા માંડ્યા હતા, દિવાળી પછી કેસોમાં થોડો ઉછાળો આવ્યો ખરો પણ કેસો ધીમી ગતિએ આગળ વધતા હતા. ૧૯મી ડીસેમ્બરે એક કરોડનો આંક વટાવ્યા પછી નવા વર્ષમાં કેસો ફરી ઘટી ગયા અને બીજી ફેબ્રુઆરીએ તો દૈનિક કેસો માત્ર ૮૬૩૫ હતા, પરંતુ માર્ચમાં કેસોમાં ફરી ઉછાળો આવવા માંડ્યો અને આજે તો એક દિવસના એક લાખ કરતા વધુ કેસો નીકળી રહ્યા છે. જાન્યુઆરીમાં રસીકરણ શરૂ થઇ ગયું છતાં આ સ્થિતિ છે અને કેસોમાં ઉછાળા માટે વાયરસના બદલાયેલા સ્વરૂપોને જવાબદાર માનવામાં આવે છે અને સ્થિતિ કેવો વળાંક લેશે તે હજી કંઇ સ્પષ્ટ થતું નથી.

Most Popular

To Top