‘હું જી.ઈ.બી.માંથી આવું છું, તમારે 2 મીટરના 96 હજાર ભરવા પડશે’

નવસારી : સુપા ગામે સુરત (Surat) નો એક ઇસમ ‘જી.ઈ.બી.માંથી આવું છું, તમારે ૨ મીટરના ૯૬ હજાર ભરવા પડશે’ તેમ કહી પૈસા લઈ જતો રહ્યો હતો. જોકે તે ઇસમ છેતરપિંડી (Fraud) કરી ગયો હોવાની જાણ થતા નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના સુપા(કુરેલ) ગામે ગુણવંતભાઈ મણીભાઈ નાયક તેમના પરિવાર સાથે રહે છે. ગત ૨૬મી ઓગષ્ટ ૨૦૨૦ માં ગુણવંતભાઈના ઘરે એક ઇસમ આવ્યો હતો. જેણે જી.ઈ.બી.માંથી આવું છું, તમારા ઘરે જે મીટર આવેલા છે તેના તમારે ૯૬ હજાર ભરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી ગુણવંતભાઈએ કહ્યું હતું કે, મારો છોકરી બહાર ગયો છે તે આવશે પછી તમે પૈસા લેવા આવજો. ત્યારબાદ ગુણવંતભાઈએ તેમના છોકરાનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંપર્ક થયો ન હતો. જેથી તે ઇસમે ગુણવંતભાઈને જણાવ્યું હતું કે, તમે ચિંતા ના કરો તમારા છોકરા જોડે ફોન પર વાતચીત થઇ ગઈ છે અને તમારા ઘરના ખાનામાં પડેલી કોથળીમાં રહેલા રૂપિયામાંથી ૯૬ હજાર રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જેથી ગુણવંતભાઈએ ૯૬ હજાર રૂપિયા તે ઈસમને આપી દીધા હતા. અને તે ઇસમ પૈસા લઈ નીકળી ગયો હતો. જોકે તે ઇસમ ચીટીંગ કરી પૈસા લઈ ગયો હોવાનું ગુણવંતભાઈ તેમના પરિવારને ધ્યાને આવ્યું હતું. જ્યારે ગત રોજ તે ઇસમનો ફોટો સોશિયલ મીડિયા મારફતે મળતા તેઓ ઓળખી ગયા હતા. જે ઇસમ સુરતના કામરેજ મોરથાણામાં રહેતા વિમલ નવનીતભાઈ પટેલ હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે ગુણવંતભાઈના ભત્રીજા આશિષભાઈ નાયકે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિમલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછાવાહાએ હાથ ધરી છે.

પારડીમાં દાગીના ચમકાવવાના બહાને આવેલા ઠગોએ મહિલા આવી જતા ભાગી જવું પડ્યું
પારડી : પારડીમાં છેલ્લા 15 દિવસથી ચોરટાઓ નગરમાં પોલીસ અને લોકોની ઊંઘ હરામ કરી રહ્યા છે, ત્યારે આજે પારડી બ્રાહ્મણવાડમાં ધોળે દિવસે સોના-ચાંદીના દાગીના ચમકાવી આપવાના બહાને વૃદ્ધ દંપતી સન્મુખભાઈ શાહ અને જયમતીબેન શાહને ફોસલાવવા જતા તેમના ઘરની વહુ પ્રીતિબેન આવી જતા દાગીના ચમકાવવા વાળા ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના સીસી કેમેરામાં બંને ઠગ બાઈક ઉપર આવેલા દેખાઈ આવ્યા હતા. પ્રીતિબેન શાહના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી પારડીમાં લાડ સ્ટ્રીટ, બ્રાહ્મણવાડા, નૂતનનગર અને વાણીયાવાડમાં ચોરીની ઘટના બની છે. જેથી પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી. જો કે બ્રાહ્મણવાડ અને લાડ સ્ટ્રીટમાં જ તસ્કરો ટાર્ગેટ બનાવી રહ્યા છે. આજની ઘટનામાં વહુ સમયસર નહીં પહોંચતે તો ઠગબાજો સાસુ-સસરાને ફોસલાવી સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઇ ગયા હોત.

Most Popular

To Top