યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ કોવિડ-૧૯ માટે કારણભૂત કોરોનાવાયરસના ભારે ચેપી બી.૧.૬૧૭ વેરિઅન્ટના ૭૭ કેસ જુદા તારવ્યા છે જે વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો અને યુકેમાં તેને વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન(વીયુઆઇ)નો દરજ્જો આપવામાં આવ્યો છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ(પીએચઇ) કે જે યુકેમાં વાયરસના ચિંતાજનક સ્વરૂપ(વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન- વીઓસી) અને વીયુઆઇના નવા કેસોની સંખ્યાની સાપ્તાહિક માહિતી જાહેર કરે છે તેણે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે ભારતમાં જોવા મળેલ આ પ્રકારના સૌપ્રથમ વાયરસના પ્રકારે અનેક વખત પોતાના સ્વરૂપ બદલ્યા છે.
આ બી.૧.૬૧૭ સ્ટ્રેઇનના મ્યુટેશનોએ આ વાયરસને ઝડપથી ફેલાનાર બનાવ્યો છે અને તે આંશિક રીતે પ્રતિકારશક્તિને હાથતાળી આપી જાય છે. ભારતમાં કોવિડ-૧૯ના હાલના બીજા મોજા માટે આ પ્રકાર જવાબદાર હોવાનું માનવામાં આવે છે જે મોજામાં કેસો ઝડપથી વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં દાખલ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આ નવા વેરિઅન્ટ સાથે યુકેમાં કોરોનાવાયરસના કુલ વેરિઅન્ટની સંખ્યા પ૬ પર પહોંચી છે, જેમાં કથિત કેન્ટ વેરિઅન્ટ અને સાઉથ આફ્રિકન વેરિઅન્ટનો પણ સમાવેશ થાય છે.