સુરતઃ સુરતમાં ઉત્તરાયણમાં પતંગના દોરાના લીધે 95 જેટલાં અબોલ પક્ષીઓએ જીવ ગુમાવ્યાના આંકડા સામે આવ્યા છે. જ્યારે 180થી વધુ પક્ષીઓની પાંખો કપાઈ છે. બે દિવસ દરમિયાન 825થી વધુ પક્ષીઓના રેસ્ક્યુ માટેના કોલ જીવદયા સંસ્થાઓને મળ્યા છે.
- જીવદયા સંસ્થાઓના ફોન સતત રણકતા રહ્યાં, બે દિવસમાં 95 અબોલ પક્ષીઓએ જીવ ગુમાવ્યા
- બે દિવસમાં 180થી વધુ પક્ષીઓની પાંખ કપાઈ, 825થી વધુ પક્ષીઓના રેસ્ક્યુ માટેના કોલ આવ્યા
કોઈની મજા કોઈની સજા બનતી હોય છે તે કહેવત ઉત્તરાયણ પર્વમાં સાચી પડી છે. ઉત્તરાયણના બે દિવસ દરમિયાન સુરતીઓએ ખૂબ મજાથી પતંગો ચગાવ્યા પરંતુ કપાયેલા પતંગના દોરા આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થયા છે. બે દિવસ દરમિયાન જીવદયા સંસ્થાઓનો ફોન સતત રણકતો રહ્યો હતો. આ બે દિવસ દરમિયાન 800થી વધુ કોલ પક્ષીઓના રેસ્ક્યુ માટેના આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસમાં 95 જેટલાં પક્ષીઓએ જીવલેણ દોરાના લીધે જીવ ગુમાવ્યો હતો, જ્યારે 180થી વધુ પક્ષીઓની પાંખ ઘાતક દોરાના લીધે કપાઈ ગઈ હતી. ઈન્જર્ડ પક્ષીઓમાં કાગડા, બગલાં અને મોટા પ્રમાણમાં કબૂતરોનો સમાવેશ થાય છે. ડો. સંજય જાનીએ કહ્યું કે, તબીબોની ટીમ બે દિવસ દરમિયાન ખડેપગે રહી હતી. રાતના ઉજાગરા વેઠીને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
પ્રયાસ સંસ્થાના દર્શન દેસાઈએ કહ્યું કે, ગયા વર્ષ કરતા પક્ષીઓને ઈજા થવાના કિસ્સા વધુ બન્યા છે. ઘુવડ, કબૂતર, પોપટ, કંકણસાર, સમડી, ચામચિડીયા પણ ઈન્જર્ડ થયા હોવાના કિસ્સા છે. આ વખતે બુધવારે ઉતરાયણ હોવાના લીધે ઈન્જરીના કેસ નજીવા વધ્યા છે. ચાઈનીઝ દોરા ઉપરાંત કાચવાળા ઘાતક માંજાના લીધે પક્ષી ખૂબ ઘાયલ થયા છે.