કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓના લર્નિંગ લૉસ જાણવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ પરીક્ષાથી વિદ્યાર્થીઓના પરિણામ પર કોઈ અસર પડશે નહી.
ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવા છતાં, આ વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી યોજવામાં આવશે. આ નિદાન કસોટીના અભ્યાસક્રમમાં તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.
ધોરણ 8ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરી ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ 9ની પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધોરણ 9ના અભ્યાસ ક્રમ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરીને ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ગણિતની કસોટી માટે ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે.
તેવી જ રીતે સામાન્ય પ્રવાહ માટે નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન વિષયની કસોટી ધોરણ 11ના પ્રશ્નપત્રમાંથી પ્રશ્નો તૈયાર કરી કરવામાં આવશે.
તા.10 અને 12 જુલાઈએ નિદાન કસોટી લેવાશે, 30 જુલાઈએ પરિણામ તૈયાર કરાશે
શિક્ષણ બોર્ડ દ્વારા 7મી જુલાઈના રોજ પ્રશ્નપત્ર તૈયાર કરીને શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવામાં આવશે. ત્યારબાદ 8મી જુલાઇએ પ્રશ્નપત્ર બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવશે. જ્યારે તા. 10 અને 12 જુલાઈના રોજ નિદાન કસોટી વિદ્યાર્થીઓએ આપવાની રહેશે. તા. 13 અને 14 જુલાઇએ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહી પરત મેળવવાની રહેશે, અને 30મી જુલાઇએ વિષયવાર પરિણામ તૈયાર કરાશે.