આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. છેલ્લા ચાર મહિના બાદ એક દિવસમાં નવા 8,000થી વધુ કેસ નોંધાયા છે.
બુધવારે રાજ્યમાં 8,807 નવા કેસ નોંધાયા છે, જેની સાથે મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા વધીને 21,21,119એ પહોંચી ગઈ છે. ગયા વર્ષે 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 8,142 કેસ નોંધાયા હતા, ત્યારબાદ નવા કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો. લાતુર કલેક્ટરે લોકોને વાયરસની ચેન તોડવા 27-28 ફેબ્રુઆરીએ જનતા કર્ફ્યુ પાળવાની અપીલ કરી છે.
સરકારે જણાવ્યું કે, બુધવારે કોરોનાના કારણે થયેલા 80 મૃત્યુ સાથે રાજયમાં કુલ મૃત્યુદર 51,937એ પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં 10 ફેબ્રુઆરીથી કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે.
રાજ્યમાં 19 ફેબ્રુઆરીએ 6,112, 20 ફેબ્રુઆરીએ 6,281, 21 ફેબ્રુઆરીએ 6,971 અને 22 અને 23 ફેબ્રુઆરીએ રાજ્યમાં 5,210 અને 6,218 નવા કેસ નોંધાયા હતા.
બુધવારે રાજ્યના સૌથી વધુ કેસ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 2,018 નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા બુધવારે ઘટીને 2,772 થઈ ગઈ છે, જે મંગળવારે 5,869 છે. અત્યાર સુધી કુલ 20,08,623 લોકોએ કોરોનાને મહાત આપી છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા બુધવારે વધીને 59,358 થઈ ગઈ જે એક દિવસ પહેલા 53,409 હતી.