SURAT

સામી દિવાળીએ સુરતમાં 800 કાપડના કારખાના એક દિવસ માટે બંધ રહેશે, વીવર્સે કેમ લીધો આવો નિર્ણય?

સુરત: સામી દિવાળીએ અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વીવર્સે તમામ કારખાના એક દિવસ માટે શુક્રવારે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે ગુરુવારે તા 26/10/2023ને ગુરુવારે કોસાડમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીમાં વીવર્સની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમત્તે વીવર્સે શુક્રવારે તા. 27 ઓક્ટોબરના રોજ 24 કલાક માટે તમામ 800 કારખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

મીટીંગમાં કોસાડમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝના તમામ વિવર્સ પોતાની નૈતિક જવાબદારી સમજી હાજર રહ્યા અને એક જ સુરમાં સામૂહિક નિર્ણય લઇ અને ભવિષ્યની તમામ બાબતો ધ્યાને રાખી ઇન્ડસ્ટ્રીઝમાં થતી ઘટનાઓ સામે કંઇ પણ કરવા તૈયારીની ચર્ચાઓ થઇ હતી. આ સાથે કેટલીક માંગો ગૃહ વિભાગ સમક્ષ મુકવા નક્કી કરાયું હતું.

વીવર અનિલ ડોંડા પર થયેલા હુમલાના વિરોધમાં સ્વેચ્છિક બંધનું એલાન
ગઈ તા. 25મીની મધ્યરાત્રિએ 1.20 કલાકે અંજની ઈન્ડસ્ટ્રીના યુવાન વીવર અનિલ ડોંડા પર બે હુમલાખોરોએ કારખાનામાં ઘુસી છરીથી હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ ઘટનાના વિરોધમાં આજે અંજની ઈન્ડસ્ટ્રીના વીવર્સ ભેગા થયા હતા અને અનિલ ડોંડા ઉપર હુમલો કરનાર આરોપીઓને ઇન્ડસ્ટ્રીઝમાં જાહેર સરઘસ કાઢવામાં આવે અને કડક સજા થાય તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત ત્રિપલ મર્ડરના આરોપીને તાત્કાલિક ફાંસીની સજાની સુનાવણી થાય અને
ઇન્ડસ્ટ્રીઝના તમામ માલિકોને હથિયારનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અંજની ઈન્ડસ્ટ્રીમાંથી અડ્ડા દૂર કરવા વીવર્સની માંગ
આ સાથે જ અંજની ઈન્ડસ્ટ્રીના વીવર્સે આક્ષેપ કર્યા હતા કે, અમારી ઈન્ડસ્ટ્રીમાં ખુલ્લેઆમ રોડ પર અડ્ડા ધમધમે છે. જેમાં નશીલા પદાર્થ વેચાય છે. બેફામ જુગાર ધામો ચાલે છે. આ દૂષણોને તાત્કાલિક દૂર કરવા વીવર્સે માંગણી કરી હતી. તે ઉપરાંત જાહેર રસ્તાઓ પર બિનઅધિકૃત ચાલતી માર્કેટો (શુક્રવારી – રવિવારી) બંધ કરાવવા તેમજ હુમલા ના અનુસંધાને પોલીસ પરેડ કરી ઇન્ડસ્ટ્રીઝમાં ભયમુક્ત વાતાવરણ ઊભુ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

વીવર પર હુમલા બાદ વીવર્સ ગભરાયા
 અંજની ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 134-135માં અનિલ ગોરધનભાઈ ડોંડા કાપડનું કારખાનું ચલાવે છે. અનિલ ડોંડા મૂળ ભાવનગરના વતની છે. સુરતની અંજની ઈન્ડસ્ટ્રીમાં તેઓ પોતાની માલિકીનું કારખાનું ધરાવે છે. મંગળવારની મધ્યરાત્રિએ તેઓ પોતાના કારખાનાની ઓફિસમાં બેઠાં હતાં ત્યારે અંદર ઘુસી બે હુમલાખોરોએ છરી સાથે તેમની પર હુમલો કર્યો હતો.

ઇજાગ્રસ્તે વીવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન ઘટનાનોું રેકોર્ડિંગ જોવા માટે પોલીસે ડીવીઆર કબ્જે લીધું હતું. સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોને ઓળખી તેઓને પકડવાની દિશામાં અમરોલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top