બારડોલી : સુરત સહિત જિલ્લા(SURAT DISTRICT)માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રેપીડ અને RTPCRમાં પોઝિટિવ (POSITIVE) આવેલા દર્દીઓમાં પણ કોરોના સંક્રમણ કેટલું છે તે જાણવા માટે તબીબો દર્દીઓને સિટીસ્કેન કરવા માટેની સલાહ આપી રહ્યા છે. જેથી સિટીસ્કેન સેન્ટર પર લોકોની લાંબી લાઈન લાગતા ત્યાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. બારડોલી(BARDOLI)ના ચાર સિટીસ્કેન સેન્ટરો (CT SCAN CENTER) પર સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે. દરેક સિટી સ્કેન સેન્ટર પર રોજના 150 થી 200 લોકો સિટીસ્કેન કરાવવાં આવી રહ્યા છે જેમાંથી 80 ટકા દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા હોવાનું જાણવા મળે છે. કેટલાક સેન્ટરો પર ટેસ્ટ માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી જતા અનેક જગ્યાએ ટેસ્ટિંગ કિટ પણ ખૂટી પડી છે. જેને કારણે તાત્કાલિક પરિણામ મેળવવા માટે લોકો સિટીસ્કેનનો સહારો લઈ રહ્યા છે.
બીજી તરફ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી સેન્ટરો પર પણ સિટીસ્કેન માટે ભારે ભીડ છે. સ્થિતિ એવી છે કે શહેરના મોટાભાગના સિટી સ્કેન સેન્ટરમાં દર્દીઓને તપાસ કરાવવા માટે ત્રણથી ચાર કલાકનું વેટિંગ કરવો પડી રહ્યો છે. આ પહેલા બારડોલીમાં ટેસ્ટિંગ કરવા અને હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈન લાગી હતી. હવે કોરોનાનું સંક્રમણ કેટલું છે તે જાણવા માટે સિટીસ્કેન સેન્ટર પર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ બારડોલીના તમામ સેન્ટરો કોરોના માટે જરૂરી HRCT ટેસ્ટ માટે રૂ. 3000 વસૂલી રહ્યા છે. તો બીજી તરફ સરદાર સ્મારક હોસ્પિટલમાં રાહત દરે માત્ર 2300 રૂપિયામાં આ ટેસ્ટ થઈ રહ્યો છે.
બારડોલીમાં આવેલા ખાનગી સિટીસ્કેન સેન્ટરના રેડિયોલોજિસ્ટ ડૉ. બ્રિજેશ ચૌહાણે જણાવ્યુ હતું કે, અમારા સેન્ટરમાં રોજના 150 જેટલા દર્દીઓ સિટી સ્કેન માટે આવે છે તેમાંથી 120થી 130 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ જ હોય છે.