નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર ગામમાં પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબને આરોગ્યની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ૮ પાસ બોગસ તબીબ મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરાના કાલસર ગામમાં પ્રાથમિક શાળા પાસે શ્રીજી ક્લીનીક ચલાવતો શખ્સ બોગસ તબીબ હોવાની ફરિયાદ જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી. જેના આધારે ગુરૂવારે આરોગ્ય વિભાગની ટીમ પોલીસને સાથે રાખીને શ્રીજી ક્લીનીક પર પહોંચી હતી. જ્યાં તબીબ તરીકે ગ્રામજનોની જીંદગી સાથે ચેડાં કરતાં કનુભાઇ અંબાલાલભાઇ રાણા મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તે ધોરણ ૮ પાસ હોવાનું માલુમ પડ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તેની ક્લીનીકમાંથી એલોપેથીક દવાઓ પણ કબજે કરવામાં આવી હતી. આ મામલે નેસના મેડીકલ ઓફિસર વિશાલ યોગેશભાઇ ગુપ્તાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે કનુ રાણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે વર્ષથી સ્થાનિક આરોગ્ય વિભાગ અંધારામાં?
કનુ રાણાના જણાવ્યાનુસાર તે છેલ્લા બે વર્ષથી તબીબ તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે છેલ્લા બે વર્ષથી સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં કેમ આ બોગસ તબીબ ન આવ્યો ? ૨૪ મહિનાથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા આ કહેવાતા તબીબ સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી તેને લઇને પણ અનેક ચર્ચાઓ એરણે છે.