surat : કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર ડાઇંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ પછી વિવિંગ ઉદ્યોગ માટે પણ ઘાતક પૂરવાર થઇ છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા કોરોનાની બીજી લહેરથી પાવરલૂમ ઉદ્યોગ કેટલો પ્રભાવિત થયો છે. તે સંદર્ભે એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેની વિગતો જોતા કોરોનાની બીજી લહેરમાં માર્કેટો બંધ રહેતા પાવરલૂમ ઉદ્યોગની કમ્મર તૂટી ગઇ છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, પાવરલૂમ ઉદ્યોગને રોજનુ 8.39 કરોડનું નુકશાન થઇ રહ્યું છે.
સુરતના ટેક્સટાઇલ કલ્સ્ટર રિજિયનમાં કુલ 6.75 લાખ તમામ પ્રકારના લૂમ્સ કાર્યરત હતા. પરંતુ બીજી લહેરમાં 60 ટકા લૂમ્સ બંધ થયા છે. જે 40 ટકા લૂમ્સ ચાલી રહ્યા છે. તે એક પાળી કામ કરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં વિવર્સની કુલ ઉધારી 5121 કરોડ છે. જેમાં શટલ લેસ લૂમ્સના સંચાલકોની ટ્રેડર્સ પાસેની ઉઘરાણી 3645 કરોડ છે. જ્યારે ઓટો લૂમ્સ સંચાલકોએ ટ્રેડર્સ પાસે 1476 કરોડની ઉઘરાણી લેવાની બાકી છે. પાવરલૂમ્સ અને ઓટો લૂમ્સ કે હાઇસ્પીડ લૂમ્સની કુલ ઉઘરાણી 5121 કરોડની લેવાની થાય છે. માર્કેટ લાંબો સમય બંધ રહી છે ત્યારે કોઇ પાર્ટી ઉઠમણું કરશે તો ફોસ્ટા તેની જવાબદારી લેશે કે કેમ? તે બાબત સ્પષ્ટ થવી જોઇએ.
વિવિંગ ઉદ્યોગને વીજબિલના મીનીમમ-ફિક્સચાર્જમાંથી ઓગસ્ટ સુધી મુક્તિ આપવાની માંગ
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, વિવરો પાસે હવે કારીગરોને ખર્ચી આપવાના રૂપિયા પણ બચ્યા નથી. ફોગવા દ્વારા રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર મોકલી પાવરલૂમ ઉદ્યોગ પાસે વીજબિલમાં મિનીમમ ચાર્જ અને ફિક્સ ચાર્જ વસૂલવામાં આવે છે. તે ચાર્જમાંથી ઓગસ્ટ-2021 સુધી મુક્તિ આપવામાં આવે.છેલ્લા બે મહિનાથી વિવિંગ ઉદ્યોગ ડિસ્ટર્બ થયો હોવાથી વેપાર થયો નથી અને ટ્રેડર પાસેથી પેમેન્ટ પણ આવ્યું નથી. તે સ્થિતિમાં વિવિંગ ઉદ્યોગને 31 જુલાઇ સુધી વિજબિલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તથા લેટ પેમેન્ટ પર વ્યાજ અને પેનલ્ટીની વસૂલાત ન કરવામાં આવે તો ઉદ્યોગ ફરી બેઠો થઇ શકે છે