જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી લેવાયું હતું અને લોકોને શહેરની બહાર લઇ જતી ટ્રેનો દોડવા માંડી હતી.
મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસના કેસો મોટા પ્રમાણમાં દેખાવા માંડ્યા બાદ ૨૩ જાન્યુઆરીએ આ શહેરને સખત લૉકડાઉન હેઠળ મૂકવામાં આવ્યું હતું અને તેની સરહદો પણ બંધ કરી નાખવામાં આવી હતી અને બહારની દુનિયા સાથે તેનો સંપર્ક લગભગ સંપૂર્ણ કાપી નાખવામાં આવ્યો હતો. આ શહેરમાં કોઇને બહારથી આવવાની કે આ શહેરના લોકોને શહેરની બહાર જવાની પરવાનગી ન હતી. જો કે કોવિડ-૧૯ના કેસો ઓછા થવા માંડતા આ શહેરમાં લૉકડાઉન કેટલાક દિવસથી થોડું હળવું કરાયું હતું પરંતુ તેમાં લોકોને શહેરની અંદર જ હરવા ફરવાની મોકળાશ અપાઇ હતી અને બહાર જવાની તેમને પરવાનગી ન હતી. પરંતુ આજે વહેલી સવારે પાંચ વાગ્યે આ શહેરમાંથી રવાના થતી ટ્રેનો દોડવા માંડી હતી અને મોટા ધોરી માર્ગો પણ ખોલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાતા રસ્તાઓ પર લોકોની ભીડ ફરી દેખાવા માંડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વુહાનના લભગગ પ૦૦૦૦ લોકોન કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો અને ૨૫૭૧ જેટલા લોકોનાં મોત આ શહેરમાં આ વાયરસથી થયા હતા. વુહાન શહેરની વસ્તી લગભગ ૧ કરોડ ૧૦ લાખની છે.