SURAT

નર્મદ યુનિવર્સિટીમાંથી સ્નાતક, અનુસ્નાતક થયેલા 76.35 ટકા બેકાર

શહેરની વીર નમર્દ યુનિવર્સિટીમાં આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન સમારોહ પહેલાં જ એટલે કે પદવી હાથમાં આવે તે પહેલા ૭૬.૩૫ ટકા ઉમેદવાર બેકારીનાં દળદળમાં સપડાઇ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. સુરત શહેરની વીર નર્મદ યુનિ.ખાતે આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન પહેલા કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી છે. યુનિ.તરફથી ખાસ પદવીદાન માટે ભરાયેલા ફોર્મમાં કેટલીક વિગતો માંગવામાં આવી હતી. જેમાં વિકાસશીલ ગુજરાત રાજયના આથિર્ક પાટનગર સમા સુરત શહેરમાં શિક્ષિતોની હાલત ભયાનક હોવાનું બહાર આવ્યું છે.

યુનિ.એ આગામી 24મી તારીખે યોજેલા ખાસ પદવીદાન સમારોહમાં સ્નાતક તેમજ અનુસ્નાતક સહિત એમ.ફીલ અને પીઅચ.ડી થયેલા કુલ ૪૬૨૨ ઉમેદવારો પદવી મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા છે. આ ફોર્મ ભરતી વખતે દરેક ઉમેદવારોને પ્રશ્નાવલી બનાવી પુછાઇ હતી. જેમાં પદવી નજીક પહોંચ્યા પછી એટલે કે જે તે પરીક્ષા પાસ કર્યાં પછી શુ કરે છે તે પુછવામાં આવ્યું હતું જેમાં 3529 એટલે કે કુલ પદવી માટે ફોર્મ ભરેલા હોય તે પૈકી 76.35 ટકા નવરાધૂપ હોવાનું બહાર આવ્યું છે. તેવી જ રીતે 223 ઉમેદવારો નોકરી કરે છે તેમની ટકાવારી જોઇએ તો 4.82 ટકા થાય છે.

જયારે માત્ર 40 જણાએ પારવારિક ધંધામાં હોવાનું કહ્યું છે. મતલબ આ ટકાવારી પણ માંડ 0.87 ટકા જ થાય છે. આ ઉપરાંત 777 ઉમેદવાર વધુ અભ્યાસ કરી રહ્યાં છે. તેમની ટકાવારી પણ 16.81 ટકા છે. જયારે 53 પદવીધારકો મોદીના આત્મનિર્ભર હોવાનું એટલે કે સ્વરોજગાર કરતા હોવાનુ જણાવી ચકિત કરી દીધાં છે. સુરત જેવા શહેરમાં શિક્ષિતોની દયાજનક હાલત ગંભીર લેખાઇ રહી છે.

ગયા પદવીદાન કરતાં આ વખતે બેકારોની સંખ્યામાં સરેરાશ 9.5 ટકા વઘારો
વીર નમર્દ યુનિ.તરફથી આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાનના આંકડાની ગયા પદવીદાન સાથે તુલના કરતા આ વખતે બેકારોની સંખ્યામાં 9.5 ટકા વઘારો થયો છે.જયારે હાયર એજયુકેશન તરફ વળેલા ઉમેદવારોની સંખ્યામાં 10.12 ટકા વધારો થયો છે.

Most Popular

To Top