ગાંધીનગર: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2024-25ના વર્ષ માટે 146.72 કરોડની પુરાંતવાળું બજેટ જાહેર કર્યું છે. સરકારે વેરામાં કોઈ વધારો જાહેર કર્યો નથી. જોકે, કરવેરામાં 754 કરોડનો સૂચિત ઘટાડો જાહેર કર્યો છે. સ્ટેમ્પ ડ્યૂટી માટે 54 કરોડ અને વાહન માલિકો માટે 700 કરોડની માતબર રકમની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યામાં ગુજરાત સરકારે ગુજરાતીઓ માટે યાત્રી નિવાસ બનાવવા મોટી જાહેરાત કરી છે. સરકારે તે માટે 50 કરોડની જોગવાઈ કરી છે.
જૂના વાહનો સ્કેપ કરનાર વાહનમાલિકોને રાહત
પર્યાવરણને થતી હાનિ અટકાવી, વાહનોની ખામીના કારણે થતા માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી લોકોને વધુ ફ્યુલ એફિશિયન્ટ અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. આ હેતુસર રીકરીંગ વેરો ચૂકવતા વાહન માલિકો પોતાના ૮ વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલા વ્હિકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશે તો તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળના કોઇ ચલણ પડતર હોય તો તેની વસૂલવાપાત્ર માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા એક વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણય થકી અંદાજે ૫૨૦૦૦ વાહન માલિકોને ૭૦૦ કરોડની રાહત થશે. તેઓ પણ આ વાહનને સ્ક્રેપ કરાવી તેની સામે અદ્યતન ટેક્નૉલૉજીવાળા નવા વાહનો ખરીદવા પ્રેરિત થશે. જેના કારણે સરકારની કર આવકમાં પણ વધારો થશે.
ક્રેડિટ સોસાયટી પાસેથી ધિરાણ લેનારાઓને સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત
આ ઉપરાંત હાલમાં રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી ₹૫૦૦૦ થી વધુ રકમનું ધિરાણ મેળવતા સભાસદોએ હાલના નિયમ મુજબ એગ્રિમેન્ટ લેખમાં ₹૩૦૦ અને જામીનખતમાં ₹૩૦૦ મળીને કુલ ₹૬૦૦ની સ્ટેમ્પ ડયુટી ચૂકવવાની થાય છે.
આવું ધિરાણ સામાન્યતઃ મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃત્તિની જરૂરિયાત માટે લેતા હોય છે. સરકારે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો ₹૫૦ હજાર સુધીનું ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણયથી અંદાજિત ૯ લાખ સભાસદોને આશરે ₹૫૪ કરોડની રાહત થશે. તેઓની ખરીદશક્તિમાં વધારો થવાથી રાજ્યની આર્થિક ગતિવિધિઓને પ્રત્યક્ષ અને પરોક્ષ વેગ મળશે, રોજગારીનું સર્જન થશે .