વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર મગજના નાનાભાઇ રામજીભાઈ અને વિધવા બહેન દેવીબહેનનું ભરણપોષણ કરે છે, તેમની જિંદગીમાં પત્નીનું સુખ પ્રભુ લખવાનું ભૂલી ગયા હોય તેમ તેઓ માની રહ્યા હતા.
છેલ્લા 4 દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને પોતે જીદ લઇ બેઠા હતા કે, જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું, છેલ્લા કેટલાય સમયથી તેઓ જીવનસાથીની શોધમાં હતા, તેમ છતાં ક્યાંય મેળ પડતો ન હતો.
જો કે, લોકડાઉન દરમિયાન એવું બન્યું કે, નજીકના વરસડા ગામના તેમના સંબંધી રાજુભાઈ રબારીને ખેડાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી (ઉં.વ.40) નજરે ચઢ્યાં હતાં. તેઓએ કલ્યાણભાઈ રબારીને કન્યા બાબતે વિગતે વાત કરી. ત્યારે થોડું પણ મોડું કર્યા વગર તાબડતોબ જોવા માટે ઉપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલ્યાણભાઈને ગમી ગયાં હતાં અને તેમની લગ્નની વાત આગળ વધારી હતી.
પરિવારની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઇ હતી. વર્ષોથી કલાભાઈના સુના આંગણે ઢોલ ઢબૂક્યા અને શરણાઇઓ ગૂંજી હતી. 23 જાન્યુઆરી ને શનિવારે બપોરે પીપરછટ ગામે ભોજન સમારંભ રખાયો હતો. તેમાં વાંટા, નારપુરી, રામપુરી, જેસર, ગોપરી અને પીપરછટના ગ્રામજનો ઉપરાંત સગા-વહાલાઓને લગ્નનું આમંત્રણ આપી જમાડ્યા હતા.
જ્યારે બીજા દિવસે કોરોનાની ગાઇડલાઇન મુજબ માસ્ક ધારણ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી માત્ર 50 જાનૈયાઓને લઈ વાજતેગાજતે કલાભાઈની જાન ઠાસરા મુકામે રહેતા વિક્રમભાઈ રબારીને ત્યાં પહોંચી હતી. હિન્દુ રીત-રિવાજ મુજબ બંને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં અને સાંજે 4 વાગે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ ઘરેથી વિદાય આપી હતી.
તેમના ભાઈને ક્યાં ખબર હતી કે, તેઓ પોતાની વહાલસોઇ બહેનને અંતિમ વિદાય આપી રહ્યા છે. ચાર દાયકાથી લગ્ન કર્યા વિના ફરતા કલાભાઈ રબારી નવેલી દુલ્હન લઈ ઘરે આવતાં સમસ્ત ગ્રામજનોને ઘેલું લાગ્યું હતું અને તેમની દુલ્હનને જોવા ફળિયાવાળા ઉપરાંત ગ્રામજનો ઊમટી પડ્યા હતા. ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. થોડા જ સમયમાં કલાભાઈની પત્ની લીલાબેનને ચક્કર આવ્યાં હતાં.
તબિયત વધુ ખરાબ થતાં કલાભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને લઈ કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં હતાં. એ દરમિયાન રસ્તામાં જ લીલાબેનનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતાં. ગળતેશ્વર મહિસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો. મંડપમાં બાંધેલા લીલા તોરણ હજી તો લીલાં જ હતાં અને ઘડીભરની ખુશી આપી લીલાએ વિદાય લીધી હતી. આમ બંને પરિવારોમાં આવેલી ખુશીઓ થોડા જ સમયમાં ગમમાં પરિવર્તિત થઇ હતી.