Vadodara

તાંદલજામાં જનરલ સ્ટોરની દુકાનમાંથી 60,461ની ચોરી

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં મકાનની નીચેના ભાગે આવેલી જનરલ સ્ટોરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ રૂ. 40,461ની મતાની સીગારેટ, ગુટખા, તમાકુ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. 60,461ની મતાની ચોરી કરી નાસી જતા બનાવ અંગે જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલિપુરમ મહાબલીપુરમમાં પરિવાર સાથે રહેતા હબીબભાઇ લતીફભાઇ મેમણ મકાનની નીચેના ભાગે મુસ્કાન જનરલ સ્ટોર નામની દુકાન ધરાવી વેપાર કરે છે.

આ દુકાન તેમનો પુત્ર ફારૂક ચલાવે છે. જ્યારે હબીબભાઇ મેમણ મહાબલીપુરમમાં બ્લોક નંબર-4માં મેમણ જનરલ સ્ટોર નામથી દુકાન ચલાવે છે. આમ પિતા-પુત્ર દુકાનમાંથી આવતી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત તા.17 ઓગષ્ટના રોજ રાત્રે 8 વાગ્યે પોતાની મેમણ જનરલ સ્ટોર નામની દુકાન બંધ કરીને હબીબભાઇ મેમણ ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે તેઓ દુકાને પહોંચતા દુકાનના શટરના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.

જેથી તેઓએ દુકાનમાં તપાસ કરતા તસ્કરો તેમની દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ દુકાનમાંથી રૂ. 40,461ની મતાની સીગારેટ, ગુટખા, તમાકુ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. 60,461ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના આ બનાવની જાણ વિસ્તારમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી અને આસપાસના લોકો દુકાન ઉપર આવી પહોંચ્યા હતા. દરમિયાન હબીબભાઇ મેમણે આ બનાવની જાણ જે.પી. પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને હબીબભાઇ મેમણની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top