નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.7 નોંધવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગુઆસમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે આખા શહેરમાં તેનો અનુભવ થયો હતો. ઘણા મકાનો અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું અને 12 લોકોના મોત થયા હતા. એક અહેવાલ મુજબ, ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.
મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ગુઆસથી લગભગ 80 કિમી દક્ષિણમાં જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. એક્વાડોરના રિસ્ક મેનેજમેન્ટ સચિવાલયે જણાવ્યું કે કારની અંદર બેઠેલા એક વ્યક્તિનું કુએન્કામાં મૃત્યુ થયું. ભૂકંપ સમયે તે કારની અંદર હાજર હતો, ત્યારે અચાનક એક ઘરનો કાટમાળ તેના પર પડ્યો અને તેનું મોત થયું હતું. આ સિવાય તટીય રાજ્ય અલ ઓરોમાં અન્ય ત્રણ લોકોના મોત થયા છે. જુદા જુદા વિસ્તારોમાંથી મૃત્યુઆંક સામે આવી રહ્યો છે, તેથી 12 મૃત્યુનો આંકડો વધુ વધી શકે છે. આ પહેલા તુર્કીમાં જોરદાર ભૂકંપના કારણે તબાહી મચી જવા પામી હતી. તૂર્કીમાં ભૂકંપના કરાણે 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
ભૂકંપથી તુર્કીની ધરતી હચમચી ગઈ હતી
અગાઉ તુર્કીમાં ભૂકંપના કારણે ભારે વિનાશ જોવા મળ્યો હતો. જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 6 ફેબ્રુઆરીની સવારે ત્યાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું.
ભૂકંપના કારણે 11 પ્રાંતોમાં તબાહી મચી ગઈ છે
લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો.
એક પછી એક 5 આંચકા અનુભવાયા
આ પછી, સાંજે 4 વાગ્યે, બીજો ભૂકંપ એટલે કે ચોથો આંચકો આવ્યો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. આના દોઢ કલાક પછી સાંજે 5.30 વાગ્યે ભૂકંપનો 5મો આંચકો પણ આવ્યો હતો.