SURAT

નવી સિવિલ હોસ્પિ.માં દર્દીઓને પ્રવેશ શરૂ કરાયો, જૂના દર્દી ડિસ્ચાર્જ થશે અને નવા દાખલ થશે

કોરોનાના વધતા દર્દીઓની હાલત ધીરે ધીરે કફોડી થઈ રહી છે. ત્યારે કોવિડ સ્પેશિયલ ઓપરેશન ઓફિસર મિલિન્દ તોરવણે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો કોટા મર્યાદિત રહેતા ડિસ્ચાર્જના આધારે જ નવા દર્દી દાખલ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઓપરેશન ઓફિસર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો કોટા મર્યાદિત પ્રમાણમાં આવી રહ્યો છે. જેના કારણે નવા દર્દીઓ લઇ શકતા નથી. હાલ જે દર્દીઓ છે તેની સંપૂર્ણ રીતે સારવાર આપવામાં આવી છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દી કે ડિસ્ચાર્જ દર્દીની તમામ માહિતી શહેરીજનો ઓનલાઇન જોઇ શકશે. સુરત શહેર જીલ્લાની મુખ્ય સિવીલ હોસ્પિટલમાં અન્ય જીલ્લાઓમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે.

પરંતુ ઓકસીજન સપ્લાયમાં ઘટ હોવાથી આજે પણ મર્યાદિત જથ્થો ૪૬ મે.ટન ઉપલબ્ધ બન્યો છે. ત્યારે હાલ કોવિડ, કીડની સહિત વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટેનો કવોટા છે. હાલ ૧૨૦૦ બેડ સાથે ૩૫૦ વેન્ટીલેટરની સુવિધા છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં ૧૫૦ વેન્ટીલેટર કાર્યરત છે. પરંતુ બંને હોસ્પિટલમાં ઓકસીજન સપ્લાય મુજબ દર્દીઓને દાખલ કરાયા છે.

નવી સિવિલ હોસ્પિ.માં 7 જયારે સ્મીમેરમાં 42 એડમિશન લેવાયા

કોરાનાના વધતા જતા કેસ સામે હોસ્પિટલમાં પણ જગ્યા મળી રહી નથી. ખાસ કરીને ક્રિટીકલ દર્દીઓને માટે પણ જગ્યા મળતી નથી. જેના કારણે દર્દીઓ નહીં અટવાઇ તે માટેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજે ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 7 જયારે સ્મીમેર હોસ્પિટલમાં 42 દર્દીઓને ગુરુવારે દાખલ કરવામાં આવ્યા હતા.

નવી સિવિલ હોસ્પિ.અને સ્મીમેરના સ્ટાફને ઓક્સિજનની બચત માટે ટ્રેનિંગ શરૂ કરાઇ

શહેરમાં એક તરફ ઓક્સિજન મળી રહ્યો નથી. ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન નહીં બગડે તે માટે સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરાયું છે. દર્દી ભોજન લે, બાથરૂમ જાય કે અન્ય કોઇ કારણસર દર્દી મારફત એક્સિજનનો બગાડ નહીં થાય તે માટે હવે સ્ટાફને પણ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરાઇ છે. સ્ટાફની ટ્રેનિંગને કારણે 2થી 5 ટકા ઓક્સિજનની બચત થવા પામી છે.

108 હેઠળ લઇ જવાતા દર્દીઓ સરકારી કવોટામાં લેવાશે

શહેરમાં બે દિવસથી 108 ધમધમતી બંધ થઇ છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઓફિસર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં ગઇકાલથી 108 માટે પણ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આજથી જ ફરી તેને ધમધમતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે હવે 108 જયાં પણ કોવિડના દર્દીઓ લઇ જશે તે સીધા જ સરકારી કવોટા હેઠળ લેવામાં આવશે.

સરથાણા કન્વેન્શન હોલમાં ઓક્સિજન સહિતના 500 બેડની હોસ્પિટલ શરૂ કરાશે

શહેરમાં ઓક્સિજનની ખુબ જ ઘટ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સરથાણા કન્વેન્શન હોલ ખાતે પણ ઓક્સિજનની સુવિધા સહિતના 500 બેડની હોસ્પિટલ ઉભી કરાશે. આ હોસ્પિટલ આગામી બે-ત્રણ દિવસમાં શરૂ કરાશે.

નવી સિવિલ હોસ્પિ.-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજનનું ઓડિટ કરાશે

સ્પેશિયલ ઓફિસર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ અપાતા ઓક્સિજનનું ઓડિટ શરૂ કરાશે. શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ બાયપેપ, વેન્ટીલેટર કે ઓક્સિજનના દર્દીઓની સંખ્યા કેટલી છે. તે મુજબ ઓક્સિજન ફાળવવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઓક્સિજનનું ઓડિટ શરૂ કરાશે.

Most Popular

To Top