Gujarat

દેશની જાણીતી કંપનીની કંડલાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, ગેસ ગૂંગળામણના લીધે 5 કામદારોના મોત

કચ્છ: કંડલાની કેમિકલ ફેક્ટરીમાં આજે અકસ્માતમાં 5 કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવાય છે કે આ અકસ્માત ઈમામી કંપનીમાં થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે આ મોત થયા છે.

આ દુર્ઘટના ગઈ કાલે મંગળવારે રાત્રિના 12.30 કલાકે બની હતી. વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા મજૂરો ઉતર્યા હતા, ત્યારે ટાંકીમાં અચાનક ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો. શરૂઆતમાં બે હેલ્પરો ઉતર્યા હતા. તે બંનેએ ગૂંગળામણ અનુભવી હતી. ત્યાર બાદ બાજુમાં ઉભા રહેલા ત્રણ હેલ્પરોએ એક બાદ એક ટાંકીમાં કૂદકો માર્યો હતો. તેઓએ પણ ગૂંગળામણ અનુભવી હતી. અંતે ગૂંગળામણના લીધે પાંચેયના મોત નિપજ્યા હતા. ટાંકીમાં ઉતરેલા મજૂરોની સુરક્ષાના કોઈ પગલાં લેવાયા ન હોવાની ચર્ચા ઉઠી છે. કચ્છના ફેક્ટરી ઈન્સ્પેક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

ફેક્ટરીમાંથી પાંચેય કામદારોના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મૃતકોમાંથી ચાર ગુજરાત બહારના છે અને એક પાટણ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ કંપની પહોંચ્યા છે. અત્યાર સુધી મીડિયાને કંપનીની અંદર જવા માટે એન્ટ્રી આપવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે કચ્છમાં શ્રમ વિભાગની બેદરકારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

Most Popular

To Top