Vadodara

સાંપ્રદાયિક નફરત ફેલાવનાર વધુ 5 ઝડપાયા

HTML Button Generator

વડોદરા: સોશ્યલ મીડિયા ઉપર સાંપ્રદાયિક નફરત ફેલાવનાર 3 યુવાનોને અગાઉ ગોત્રી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તો હાલ સુધીમાં 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને 73 લોકોને પૂછપરછ માટે બોલાવવા આવ્યા હતા. આ અંગે આજરોજ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. વડોદરા સાંપ્રદાયિક રીતે ખૂબ જ સંવેદનશીલ છે. ખાસ કરીને તહેવારો દરમિયાન સાંપ્રદાયિક દ્વેષ ન ફેલાય તે માટે પોલીસે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી હતી.

દરમિયાન પોલીસ પાસે અકોટા વિસ્તારનો એક વિડીયો આવ્યો હતો જેમાં એક લઘુમતી કોમની યુવતી અને અન્ય કોમનો યુવક હતા જેઓને કેટલાક લોકો તેઓને અટકાવી મારપીટ કરી રહ્યા હતા. આ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. શહેરના કેટલાક યુવાનોએ વોટ્સએપ ઉપર ગ્રુપ બનાવ્યું હતું અગાઉ તેઓએ એક ગ્રુપ બનાવ્યું હતું. જેમાંથી કેટલાક વિડીયો લીક થયા બાદ ARMY OF MAHDI (A.S) નામનું ગ્રુપ બનાવ્યું હતું અને આ ગ્રુપમાંથી પણ વિડીયો લીક થયા બાદ લશ્કરે આદમ નામનું ગ્રુપ બનાવ્યું હતું.

આ મામલામાં પોલીસે અગાઉ ત્રણ યુવાનો મુસ્તકીમ ઈમ્તીયાઝભાઈ શેખ, બુરહાનબાબા નન્નુમિયા સૈયદ અને સાહિલ સહાબુદ્દિન શેખ નામના યુવાનોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં વધુ નામો ખુલતા પોલીસે વધુ પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય યુવાનો ભેગા મળી ગ્રુપના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરતા હતા. અને સમાજમાં હિન્દૂ મુસ્લિમ વૈમનસ્ય ફેલાય તેવી કામગીરી કરતા હતા. હાલ પોલીસે આ તમામ ના મોબાઈલ ડેટા રિકવરી માટે એફએસએલ માં મોકલી આપ્યા છે. અને આ ગુનામાં હજુ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

વડોદરા જ નહિ અન્ય જિલ્લાઓમાં પણ આવા ગૃપ કાર્યરત જેઓ સાથે આ ગ્રુપના સભ્યો સંકળાયેલા છે
સાંપ્રદાયિક નફરત ફેલાવનાર વોટ્સઅપ ગ્રુપ માત્ર વડોદરામાં જ નહિ અન્ય જિલ્લાઓમાં પણ કાર્યરત હોવાનો ખુલાસો થયો છે. રાજ્યના અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા ગ્રુપ ચાલે છે. અન્ય જિલ્લાઓના ગ્રુપના એક બે સભ્ય આ ગ્રુપના સભ્યો સાથે સંપર્કમાં હોય છે અને તેઓ પણ આ ગ્રુપમાં સામેલ હોય છે જેથી અન્ય જિલ્લાની યુવતી જો આવે તો તે અંગેના અપડેટ્સ પણ ગ્રુપમાં નાખવામાં આવતા હતા. જેથી જો કદાચ વડોદરાની યુવતી અમદાવાદ જાય તો અમદાવાદના સભ્યો સક્રિય થઇ જાય અને તેનો પીછો કરી વિડીયો ઉતારતા હતા. પોલીસે આ મામલામાં પણ તપાસ શરુ કરી છે.

બહારથી ફંડિંગ કરાતુ હતું કે કેમ તે તપાસ કરવામાં આવશે
લઘુમતી કોમની યુવતીઓને બચાવવાના દાવાઓ કરતા આ તત્વો ગ્રુપ ચલાવી પોતાના કોમની મદદ કરી રહ્યા હોવાના દાવા કરતા હતા. ત્યારે આ યુવાનોને બહારથી કોઈ ઓર્ગેનાઇઝેશન ફંડિંગ કરતુ હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેઓના મોબાઈલ ડેટા રિકવર થયા બાદ તેઓ કોની કોની સાથે સંકળાયેલા છે તે મામલો બહાર આવશે.

ગ્રુપના સભ્યો ખાણીપીણીની લારીઓ, રેસ્ટોરન્ટ અને ઓનલાઇન ફૂડ સર્વિસ સાથે સંકળાયેલા
આ ગ્રુપના કેટલાક સભ્યો મોટા ભાગે ખાણીપીણીની લારી, રેસ્ટોરન્ટ કે કીટલી ઉપર કામ કરતા હોય છે. જેથી ત્યાં આવનાર કપલ ઉપર સહેલાઈથી નજર રાખી શકાય. જો કોઈ આવું શકમંદ કપલ આવે તો તરત જ વોટ્સઅપ પાર મેસેજ કરી દેવામાં આવતો અને તે ક્યાં જાય છે તેના વાહન નંબર સાથે નાખવામાં આવતું હતું જેથી જે તે વિસ્તારના સભ્ય તેના ઉપર વોચ રાખી શકે. કેટલાક સભ્યો ઓનલાઇન ફૂડ સર્વિસ સાથે પણ સંકળાયેલ છે જેઓ પણ નજર રાખતા હતા. આમ આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવતી હતી.

સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવી
વિડીયો સામે આવ્યા બાદ ઝોન 2 ના ડીસીપી અભય સોની તથા ગોત્રી પી. આઈ.દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી અને આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ મામલામાં હવે આંતર રાજ્ય રેકેટ હોવાનું જણાઈ રહ્યું છે અને અન્ય જિલ્લા આણંદ , અમદાવાદ, ભાવનગર, વડોદરા, ગ્રામ્ય સહિતના વિસ્તારોના પણ કનેક્શન બહાર આવ્યા છે ત્યારે હવે તાપસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ હવે અન્ય રાજ્યમાં પણ કનેક્શન છે કે કેમ તે અંગેની તપાસ કરશે.

હાલ સુધીમાં 40 – 50 કપલને નિશાન બનાવ્યા
પોલીસ દ્વારા હાલમાં તમામના મોબાઈલ ડેટા ચેક કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલ સુધી જે ચેટ જણાઈ આવી છે તે મુજબ આ લોકોએ 40 થી 50 જેટલી યુવતીઓને નિશાન બનાવી છે. અને આવા કપલને બ્લેકમેઇલ કર્યા હોવાનું જણાઈ આવ્યું છે. હાલ આ તમામને પણ અપીલ કરવામાં આવે છે કે જો કોઈ ફરિયાદ કરવા માંગતું હોય તો તેઓ નીડરતાથી ફરિયાદ કરી શકશે. અને પોલીસ તેઓની ફરિયાદ નોંધશે એમ પોલીસ કમિશ્નર અનુપમસિંહ .ગેહલોતે જણાવ્યું હતું.

કોમના રખેવાળ બનવાના દાવાઓ કરાતા હતા
લઘુમતી કોમની યુવતીઓને અન્ય કોમના યુવકોથી બચાવી પોતે પોતાના કોમની મદદ કરી રહ્યા હોવાનો યુવાનો સંતોષ માનતા હતા. અને પોતાના કોમના રખેવાળ હોવાના પણ દાવાઓ કરતા હતા. ગ્રુપમાં કોઈ યુવતીનો વિડીયો વાયરલ કર્યા બાદ યુવતીઓને છોડાવી તેમ જણાવી પોતે ગર્વ લેતા હતા. અને કોમના આકા બનવાની ખેવના રાખતા હતા. જો કે તેઓ યુવતીઓને બ્લેકમેઇલ પણ કરતા હતા અને પૈસા પણ પડાવતા હતા. ત્યારે લઘુમતી કોમના જ લોકો તેઓને નફરત કરતા હોવાનું .જાણવા મળી રહ્યું છે.

એક કિસ્સામાં તો યુવાનોના ત્રાસથી એક પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : પોલીસ કમિશ્નર
આ યુવાનો જ્યાં લઘુમતી કોમની યુવતી અન્ય કોમના યુવક સાથે દેખાય તો તેનો પીછો કરતા હતા તેઓનો વિડીયો બનાવતા અને ત્યાર બાદ આ કપલને માર પણ મારતા હતા. ત્યાર બાદ તેઓ યુવતીને બ્લેકમેલ કરતા હતા. કેટલાક કિસ્સામાં તો યુવતીની સગાઇ પણ તૂટી ગઈ છે. શહેરમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં એક લઘુમતી કોમના પરિવારે આ લોકોના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ અમો આ પરિવારને ફરિયાદ આપવા માટે સમજાવી રહ્યા છે. જો તેઓ ફરિયાદ આપશે તો તે દિશામાં પણ પગલાં ભરાશે.
-અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશ્નર, વડોદરા

Most Popular

To Top