નવસારીના ચીખલીમાં આવેલા સોલધરા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. અહીં મામાનું ઘર નામનું ઇકો પોઇન્ટ વિકસાવાયું છે. રવિવારે સાંજે અહીં એક બોટ પલટી જતા 5 લોકોના મોત થયા છે. હકીકતમાં આ જગ્યાએ એક તળાવ છે, જેમાં બોટિંગની (boating) સેવા ઉપલ્બધ છે. બન્યુ એવું કે આ બોટનું સંચાલન સંભાળનારાઓએ જે બોટમાં 15 લોકો બેસી શકે, તેમાં 23 લોકોને બેસાડ્યા પરિણામે બોટની ક્ષમતા કરતા બોટ વધુ ઓવરલોડ થઇ ગઇ અને એમાં કેટલાક લોકોએ ધક્કા મૂક્કી પણ કરી જેથી બોટ જોત-જોતામાં પલટી ગઇ.
બદનસીબે આ આખી ઘટનામાં મૃત પામેલા 5માંથી ચાર લોકો એક જ પરિવારના છે. મળતી માહિતી મુજબ આ તળાવ 25 ફૂટ ઊંડું હતુ એટલું જ નહીં બોટિંગ કરનારાઓ માટે લાઇફ જેકેટ કે અન્ય સેફ્ટીના સાધનોનો પણ અભાવ હતો.
લોકોની ચીસ સાંભળી સંચાલક સહિત ગામના લોકો તળાવે દોડી આવ્યા હતા. ડુબતા લોકોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. ઘટના અંગે માહિતી મળતા બીલીમોરા અને ગણદેવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. 20 લોકોને તળાવ બહાર કાઠીને 108 દ્વારા ચીખલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હવે તંત્ર કોની ધરપકડ કરે છેે એ જોવાનું રહેશે.
બીજી બાજુ ગયા મહિને જ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈના મોત થયા હતા. મૃતક ત્રણેય બાળકોની ઉંમર આઠથી 13 વર્ષની વચ્ચે હતી. બાળકો ગુમ થયા બાદ પરિવારે ત્રણેય બાળકોની તસવીરો સાથે સંદેશ સોશિયલ મીડિયા પર વહેતા કર્યાં હતાં. જેમાં લખ્યું હતું કે, “આજરોજ તા. 08/12/2020ના રોજ કોઈના કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. જે કોઈને પણ આ ફોટા વાળા બાળકો જોવા મળે અથવા કોઈપણ પ્રકારની ભાળ મળે તો નીચે આપેલ મોબાઈલ નંબર પર જાણ કરવા વિનંતી છે.”
ત્રણેયના મોત ડૂબી જવાથી થયા છે. બાળકો કેવી રીતે અને શા માટે તળાવમાં ઉતર્યા હતા તે ઘટનાને કોઇએ નજરે જોઈ નથી. તળાવમાં મૃતદેહ પડ્યા હોવાની જાણકારી મળ્યા બાદ ગામના લોકોએ મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્રણેય બાળકો કરજણ તાલુકાના કોલીયાદ ગામના ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના હતા.