SURAT

સાચવજો, સુરતમાં રોગચાળો ફેલાયો છે, 5 દિવસમાં 3 બાળક સહિત આટલા લોકોના મોત થયા

સુરત(Surat): ગરમીનો (Heat) પારો વધવા સાથે જ શહેરમાં રોગચાળો (Epidemic) વકર્યો છે. પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. છેલ્લાં પાંચ દિવસમાં શહેરમાં ઝાડા-ઉલટી, પેટમાં દુ:ખાવો અને તાવથી પીડાતા ત્રણ બાળકો સહિત પાંચના મોત થયા છે.

  • ઝાડા-ઉલટી, પેટમાં દુ:ખાવા અને તાવની ફરિયાદ બાદ 3 બાળક સહિત 5ના મોત
  • ભારે ગરમી વચ્ચે શહેરમાં રોગચાળો ફેલાયા જેવી સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ થયું

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે તા. 10 એપ્રિલના રોજ ઝાડા ઉલટીથી પીડાતા સચિનમાં રહેતા 2 વર્ષીય બાળક, ગોડાદરાની 28 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું હતું. આ અગાઉ શનિવારે સચિનના 6 મહિનાના બાળક, પાંડેસરાની 5 વર્ષીય બાળકીનું ઝાડા ઉલટીના લીધે મોત થયું હતું, જ્યારે કનકપુર વિસ્તારના એક 30 વર્ષીય યુવકનું પણ પેટમાં દુ:ખાવા બાદ મૃત્યુ થયું છે. પાંચ દિવસમાં પાંચ મોત થતાં શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

વધુમાં મળતી માહિતી અનુસાર મંગળવારે તા. 9 એપ્રિલની રાતે મૂળ બિહારના વતની જિતનના નાના પુત્ર વિષ્ણુને ઝાડા-ઊલટી થવા લાગ્યાં હતાં. બુધવારે સવારે વિષ્ણુને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર બાદ ઘરે જતા રસ્તામાં વિષ્ણુ બેભાન થઈ ગયો હતો. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ સચિનમાં તાવથી પીડાતા 6 મહિનાના વિરાટ નામના બાળકનું મોત નિપજ્યું હતું. શનિવારે બપોરે વિરાટ ઘરમાં જ અચાનક બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત પાંડેસરામાં 5 વર્ષીય ચેનસી નામની બાળકી ઘરમાં બેભાન થયા બાદ મૃત્યુ પામી હતી.

આ તરફ ગોડાદરામાં પરિણીતાનું ઝાડાની ફરિયાદ બાદ મોત નિપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોડાદરાના ગોપાલનગરમાં રહેતા અમિત પાસવાન કાપડ માર્કેટમાં પેકિંગનું કામ કરે છે. અમિતની પત્ની કલાવતીને મંગળવારે રાત્રે ઝાડા થયા હતા. બુધવારે સવારે કલાવતીની તબિયત વધુ લથડી હતી. તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી.

Most Popular

To Top