પૂર્વ તાઇવાનમાં આજે એક ટેકરી પરથી સરકી આવેલી એક ડ્રાઇવર વગરની ટ્રક દોડતી ટ્રેન સાથે ભટકાતા આ ટ્રેન આંશિક રીતે પાટા પરથી ખડી પડતા ૪૮ જણાનાં મોત નિપજ્યા હતા. આ ટાપુ રાષ્ટ્રના સૌથી ઘાતક ટ્રેન અકસ્માતમાં ડઝનબંધ લોકોને ઇજાઓ થઇ હતી.
આ અકસ્માત ટોરોકો ગોર્જ વિસ્તારમાં થયો હતો. એક સપ્તાહ લાંબી રજાના પ્રથમ દિવસે જ આ અકસ્માત થયો હતો જ્યારે રજાઓ ગાળવા માટે મુસાફરો ખીચોખીચ ભરાઇને ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. ટ્રેનમાં ૪૦૦ કરતા વધુ મુસાફરો હતા. ઘટના સ્થળની તસવીરો દર્શાવતી હતી કે ટ્રેનના કેટલાક ડબ્બાઓ એક બોગદાની દિવાલ નજીક પલટી ખાઇ ગયા હતા.
બચી ગયેલા ઘણા લોકો આ ડબ્બાઓની બારીઓમાંથી બહાર નીકળીને ચાલતા ચાલતા સલામત સ્થળે પહોંચ્યા હતા. નેશનલ ફાયર સર્વિસે મૃત્યુઆંકને સમર્થન આપ્યું હતું. મૃતકોમાં ટ્રેનના યુવાન અને નવપરિણીત ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે.
ફાયર સર્વિસે જણાવ્યું હતું કે ટ્રેનમાં બેસેલા તમામ લોકોની ભાળ મળી ગઇ છે. આ અકસ્માતમાં ૧૦૦ કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવેના ન્યૂઝ અધિકારી વેંગ હુઇ પિંગે આ અકસ્માતને તાઇવાનની સૌથી ઘાતક રેલવે દુર્ઘટના ગણાવી હતી.
વેંગે જણાવ્યું હતું કે રેલવે વહીવટીતંત્રની બાંધકામની કામગીરી માટે વપરાતી એક ટ્રક રેલવેના પાટા નજીકની એેક ટેકરી પર ચાલતા બાંધકામના સ્થળેથી સરકીને પાટા પર ધસી આવી હતી અને દોડતી ટ્રેન સાથે ભટકાઇ હતી. ટેકરી પરથી સરકીને ધસી આવેલી આ ટ્રકમાં કોઇ ન હતું.
આ ટ્રક ભટકાઇ તે સમયે આ ટ્રેનનો થોડો જ ભાગ એક બોગદામાંથી બહાર આવ્યો હતો અને આ બહાર નીકળેલા ભાગ સાથે ટ્રક ભટકાઇ હતી જે અથડામણ પછી ટ્રેનની કેટલીક બોગીઓ ઉથલી પડી હતી.
તાઇવાનમાં હાલ એક ધાર્મિક તહેવારની લાંબી રજા શરૂ થઇ છે, જે તહેવારમાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. તાઇવાનના પ્રમુખ ત્સેઇ ઇંગ-વેને જણાવ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ લોકોને બચાવવા સંપૂર્ણપણે કામે લાગી ગઇ હતી. આ અકસ્માત અંગે તપાસનો આદેશ અપાયો છે. તાઇવાનમાં આ પહેલા ૧૯૯૧માં એક મોટો રેલ અકસ્માત થયો હતો જેમાં ૩૦ જણા માર્યા ગયા હતા.