સુરતઃ પુણા ગામ ખાતે રહેતા ફાસ્ટ ફુડનો ધંધો કરતા અને શેરબજારમાં ઇન્વેસ્ટરનું કામ કરતા યુવકને અજાણ્યાએ ફોન કરીને તેના કાકા સસરાએ નંબર આપ્યો હોવાનું કહીને વિશ્વાસ પ્રસ્થાપિત કરી ૫૦ હજાર યુએસડીટી (૪૩.૫૨ લાખ) ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં પૈસા આપવા મહિધરપુરા ભવાની વડ પાસે બોલાવ્યો અને પોતે નહી આવી ફોન સ્વીચઓફ કરી દીધો હતો. અંતે યુવક સાયબર ક્રાઈમ પોલીસમાં પહોંચતા ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.
- કાકા સસરાએ નંબર આપ્યો તેવી ઓળખ આપી શેરબજાર ઇન્વેસ્ટર પાસેથી ૫૦ હજાર યુએસડીટી (૪૩.૫૨ લાખ) ટ્રાન્સફર કરાવી છેતરપિંડી
- પૈસા લેવા ભવાની વડ પાસે બોલાવી સાંજ સુધી ઉભા રાખી ફોન બંધ કરી દીધો હતો
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ પુણા ગામ ખાતે અર્ચના સ્કુલ પાસે, ૨૦૭-સરદાર કોમ્પલેક્સમાં રહેતા ૩૨ વર્ષીય ધવલભાઈ જયસુખભાઈ વીકાણી કચ્છી કીંગ ફાસ્ટ ફુડનાં નામથી ફાસ્ટ ફુડને લગતો ધંધો કરે છે. તેમજ શેર બજાર તથા કરન્સી માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટને લગતું કામ કરે છે. ધવલભાઈના કાકા સસરા લલીતભાઈ પનારા અડાજણ ઋષભ ટાવરમાં વી.કે. આંગડીયા પેઢીમાં નોકરી કરે છે.
ગત ૨૦ ફેબ્રુઆરીએ બપોરે ધવલભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, “મારા ઓળખીતા જયભાઈ ડોડીયા નાઓને યુએસડીટી કરન્સીની જરૂરીયાત છે જો તમારી પાસે હોય તો તેઓ સાથે વાત કરી લેજો.’ થોડીવાર પછી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ફોન પર પોતાની ઓળખ જય ડોડીયા તરીકેની આપી હતી. અને તમારા કાકા સસરા લલીતભાઈએ તમારો મોબાઇલ નંબર આપ્યો છે. હું અગાઉ પાનનો ગલ્લો ચલાવતા હતા. હું તેમને પાંચેક વર્ષથી ઓળખુ છું. મારે યુએસડીટી કરન્સીની જરૂરીયાત છે. જો તમે મને ટ્રાન્સફર કરી આપશો તો હું તેનું પેમેન્ટ તમને બેંક અથવા આંગડીયા મારફતે મોકલી આપીશ તેમ કહ્યું હતું.
ધવલભાઈએ તેમને રૂબરૂ મળવા બોલાવી રૂબરૂ વ્યવહાર કરવા કહ્યું હતું. પરંતુ જય ડોડીયાએ કાકા સસરા સાથે જુની ઓળખ હોવાનું કહીને વિશ્વાસ પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યો હતો અને જેટલા યુએસડીટી ટ્રાન્સફર કરશો તેનું પેમેન્ટ તાત્કાલીક મોકલી આપીશ તેમ કહ્યું હતું. જય ડોડીયા પર વિશ્વાસ આવતા તેને ધવલભાઈને વોટ્સએપમાં Bitpie.com નો ક્યુઆર કોડ મોકલ્યો હતો. તેમાં યુએસડીટી ટ્રાન્સફર કરશો એટલે તેનું પેમેન્ટ રાંદેર ખાતે સોના હોટલ ખાતેથી મળી જશે તેમ કહ્યું હતું.
ધવલભાઈએ એક યુએસડીટીનો ભાવ રૂ. ૮૭.૦૫ નો આપતા ક્યુઆર કોડ ઉપર તેમના Tronlink વોલેટ માંથી ૫૦ હજાર યુએસડીટી એટેલ કે ૪૩.૫૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ધવલભાઈએ પેમેન્ટ માંગતા તેમને ભવાની વાડ મહિધરપુરા ખાતે બોલાવ્યા હતા. ધવલભાઈએ ત્યાં જઇ જયભાઇ ડોડીયાને ફોન કરતા તેમને “ હું તમારા કાકાજીની આંગડીયા પેઢી પાસે છું થોડીવારમાં ભવાનીવડ આવું છું.’ તેમ કહ્યું હતું. ત્યારબાદ અવાર નવાર ફોન કરતા ખોટા ખોટા વાયદાઓ કરતા હતા. અને સાંજે મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અજાણ્યાએ લલીતભાઈને ફોન કરી આ વ્યવહારના પૈસા પોતે સુરત આવી આપી દેવાનું પણ કહ્યું
ધવલભાઈ આ બાબતે તેમના કાકા સસરા લલીતભાઇ પનારાને વાત કરી હતી. બાદમાં ૨૫ ફેબ્રુઆરીએ સાંજે લલીતભાઇના મોબાઇલ ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને પોતાની ઓળખ જયભાઇ(કાના)નો મિત્ર રાહુલ ચૌહાણ તરીકેની આપી હતી. અને ધવલભાઈ સાથે જે યુએસડીટીનો વ્યવહાર થયો તેના માટે પોતે જવાબદાર હોવાનું જણાવ્યું હતું. અને જયભાઇ ડોડીયા સાથે યુએસડીટીનો વ્યવહાર કર્યો તેનું પેમેન્ટ સુરત આવી આપી જશે તેમ કહ્યું હતું. ત્યારબાદ પણ પેમેન્ટ નહી આપતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.