વડોદરા : વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.જેને કારણે શહેરની ચેપીરોગ હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે.હાલ ચેપીરોગ હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શનના કુલ 43 દર્દીઓ નોંધાયા છે. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.ત્યારે રોજબરોજ ડેન્ગ્યુ, ચીકનગુનિયા, કમળો ઝાડા ઉલ્ટી,ટાઈફોડ સહિત સ્વાઈન ફ્લુના પણ કેસો સામે આવતા આરોગ્ય વિભાગમા દોડધામ મચી છે. તો બીજી તરફ વડોદરા શહેરની તમામ સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધવા માંડ્યો છે.
શહેરના કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલની ઓપીડીમાં પણ રોજબરોજ 100 થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. 50 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં હાલ 35 જેટલા દર્દીઓ દાખલ છે.ખાસ કરીને વાઇરલ ઇન્ફેક્શન ધરાવતા દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આ અંગે વધુ માહિતી આપતા ચેપીરોગ હોસ્પિટલના ડો.પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે વાઇરલ ઇન્ફેકશનના કેસો ઘણા બધા જોવા મળી રહ્યા છે.ચેપીરોગ હોસ્પિટલની ઓપીડીમાં રોજના 100 એક દર્દીઓ આવતા હોય તેમાંથી 40-50 જેટલા દર્દીઓ વાઇરલ ઇન્ફેકશનના આવી રહ્યા છે.
આપણે ત્યાં જે 50 બેડની કેપેસિટી છે.તેની સામે 35 થી 40 દર્દીઓ દાખલ છે. દરરોજ 100 જેટલા દર્દીઓ આવે છે.ઇન્ડોર કેસ 15 થી 17 થાય અને તેટલાને જ રજા મળે.મુખ્યત્વે આ વન-ટુ-વન ટ્રાન્સમિશન છે.એટલે વાયરલ ઈન્ફેક્શન.જે એક વ્યક્તિને થયું હોય તો તેના શ્વાસોશ્વાસથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર થાય.વડોદરાના તમામ નગરજનોને મારી અપીલ છે કે બને ત્યાં સુધી માસ્ક પહેરીને જવું.જેના કારણે ટ્રાન્સમિશન ઓછું થાય અને ઘરની આજુબાજુમાં જે કોઈ ગંદુ પાણી ભરાયું હોય અગાસી ધાબા ઉપર ટાયર કે બાલ્ટી , ડબ્બામાં પાણી ભરાયું હોય તો તેનો નિકાલ કરવો.જેથી કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકી શકે.