SURAT

ઉકાઈ ડેમના 4 ગેટ ખોલાયા, સપાટી રૂલ લેવલની લગોલગ પહોંચી

સુરતઃ ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની સપાટી રૂલ લેવલથી હવે થોડે જ દૂર હોઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે.

ઉકાઈના ઉપરવાસમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ડેમમાં 60 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક નિરંતર ચાલુ છે. તેથી ડેમ રૂલ લેવલ કરતા અડધાથી પણ ઓછા ફૂટ દૂર છે. રૂલ લેવલ જાળવવાના ઈરાદે ઉકાઈના તંત્ર દ્વારા ડેમના ચાર ગેટ 4 ફૂટ ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડવાનું આગોતરું પગલું લેવાયું છે.

ડિઝાસ્ટર કંટ્રોલ અને ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. પાછલા 24 કલાકમાં પણ ઉપરવાસમાં વરસાદ યથાવત્ રહ્યો છે. ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈન ગેજ સ્ટેશન પૈકી ચેરલીમાં 15 મિ.મી., નંદુરબારમાં 13 મિ.મી., ખેતીયામાં 14 મિ.મી., નિઝરમાં 17 મિ.મી., અક્કલકુવામાં 12 મિ.મી., ડોસવાડામાં 21 મિ.મી અને ઉકાઈમાં 16 મિ.મી, વરસાદ નોંધાયો છે.

આ તરફ હથનુર ડેમમાંથી 30 હજાર ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ જ રખાયું છે. તેથી ઉકાઈ ડેમમાં આજે 7 ઓગસ્ટની સવારથી 60 હજારથી વધુ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. આશરે 1 લાખ ક્યૂસેક પાણીની આવકથી ડેમની સપાટી વધીને 334.55 ફૂટે પહોંચી છે, જેના પગલે તંત્ર સતર્ક બન્યું છે અને ઉકાઈ ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલી 46 હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. પ્રકાશા ડેમમાંથી પણ 74 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલની નજીક પહોંચી જતાં તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા મંગળવારે બપોરથી પાણી છોડવાનું પ્રમાણ વધાર્યું હતું. આગામી દિવસમાં પાણીની આવકને ધ્યાને લઈ જાવક નક્કી થશે. સંભવતઃ આવતીકાલે તા. 8 ઓગસ્ટની સવાર સુધીમાં પાણીની સપાટી રૂલ લેવલને આંબી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચિંતાજનક સ્થિતિ નથી. સ્થાનિક સ્તરે વરસાદે વિરામ લીધો છે. ઉપરવાસમાં પણ વરસાદ ખાસ નથી. રૂલ લેવલ 335 ફૂટ હોવાથી તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવાનો આરંભ કર્યો છે.

Most Popular

To Top