વડોદરા મ્યુનિસિપલ કમિશનરની ‘સર્જિકલ સ્ટ્રાઈક’
વડોદરા
વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ચાલતી દબાણોની સમસ્યા સામે આખરે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સીધી સૂચના અને જાત મુલાકાત બાદ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંગળવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી.

નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં ઓટલા, પથારા અને દુકાનોની બહારના લટકણિયાં દબાણોને કારણે લાંબા સમયથી ટ્રાફિક અને અવરજવરની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. સ્થાનિક કાઉન્સિલર દ્વારા છેલ્લા ચાર વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર નિષ્ક્રિય રહેતું હોવાનું ચર્ચાતું હતું. સોમવારે મ્યુનિસિપલ કમિશનરની જાત મુલાકાત બાદ તંત્રે આળસ મરડી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

માત્ર દબાણો દૂર કરીને સંતોષ ન માનતા, કોર્પોરેશન દ્વારા નિયમ ભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 2 લાખ જેટલો વહીવટી ચાર્જ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશના પગલે વર્ષોથી દબાણોથી ઘેરાયેલા રસ્તાઓ ફરીથી મોકળા બન્યા હતા, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં રાહત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ઉચ્ચ અધિકારીઓ આવી જ રીતે સક્રિય રહી સતત કાર્યવાહી કરે, તો વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો શક્ય બની શકે.
બુલડોઝર અને પોલીસ કાફલા સાથે કામગીરી
વોર્ડ ઓફિસર તથા કોર્પોરેશનના અન્ય સ્ટાફે પોલીસ પ્રોટેક્શન સાથે મંગળવારે પણ વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી હતી.
નવાપુરા / નવા બજાર: રોડ પર નડતરરૂપ બનેલા પાકા ઓટલાના દબાણો તોડી પાડવામાં આવ્યા.
મંગળ બજાર: દુકાનોની બહાર લટકાવવામાં આવેલા લટકણિયાં અને ફૂટપાથ પર બેસતા પથારા દૂર કરવામાં આવ્યા