સુરત: રાજ્યનાં 6 શહેરમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંતર્ગત સુરતમાં તા.20થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા (Table tennis competition) તથા તા.1થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા (Badminton competition) યોજાનાર છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, એ સંદર્ભે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે ટેબલ ટેનિસ ઈવેન્ટ્સની પૂર્વ સંધ્યાએ પત્રકારોને સંબોધતાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ (Banchanadihi Pani) જણાવ્યું કે, આવતીકાલે તા.20મીથી ટેબલ ટેનિસ સ્પર્ધાના આરંભ સાથે સુરતમાં નેશનલ ગેમ્સની સ્પોર્ટ્સ ઇવેન્ટ શરૂ થશે. સ્પર્ધાનું શેડ્યુલ 20–24 સપ્ટેમ્બર દરમિયાન પીડીડીયુ ઈનડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ થશે. ત્યારબાદ આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે.
ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું
જ્યારે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 115 ખેલાડી શહેરમાં પહોંચ્યા છે, તેમના માટે શ્રેષ્ઠ આવાસીય સુવિધાઓ સાથે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર વેલકમ ડેસ્ક અને પિકઅપ અને ડ્રોપ માટેની પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતવાસીઓ રાજ્યનાં 6 શહેરમાં યોજાઈ રહેલી 36ની નેશનલ ગેમ્સના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળે 15થી વધુ ગોલ્ડ મેડલ માટે ચાર સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સના રમતવીરોની વિશ્વ સ્તરની સાક્ષી બનશે.
હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે હોમટાઉનમાં રમી રહ્યો છું
કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં 43 મહિલા અને 42 પુરુષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે. મીડિયા સાથે ટેબલ ટેનિસ ખેલાડીઓ અહિકા મુખરજી, હરમિત દેસાઈ, દિયા ચિતલે અને સુતીર્થા મુખરજીએ સંવાદ કરી પોતાના પ્રતિભાવ આપ્યા હતા.સુરત શહેરના ખેલાડી એવા હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે હોમટાઉનમાં રમી રહ્યો છું, ત્યારે ટેબલટેનિસ રમવાની વધુ મજા આવશે. ગુજરાત સરકારે ત્રણ મહિના જેવા ટૂંકા સમયગાળામાં આયોજન કર્યું છે, એ માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.પત્રકાર પરિષદમાં નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના જોઈન્ટ સી.ઇ.ઓ. રાકેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોર્ટસ કાર્નિવલના બીજા દિવસે સ્કેટિંગ અને સાઇકલ રેલી યોજાઈ
સુરત: ૩૬મી નેશનલ ગેમ્સની ચાર રમતોની યજમાની સુરત કરી રહ્યું છે, ત્યારે રમતગમત પ્રેમીઓ, વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયેલા ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના બીજા દિવસે વહેલી સવારે કેનાલ પાથ-વે, જી.ડી.ગોયેકા સ્કૂલની બાજુમાં સાઇકલ રેલી યોજાઈ હતી.સાઇકલ રેલીને મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, સુડાના સીઈઓ શાહે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં સાઈકલિસ્ટો જોડાયા હતા. નેશનલ ગેમ્સ વિશે જાગૃતિ ફેલાવવાના અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ તા.18થી 20 સપ્ટેમ્બર દરમિયાન વેસુ કેનાલ પાથ-વે ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું સફળ આયોજન કર્યું હતું. જેમાં યુવાનો, બાળકો, મહિલાઓને પરંપરાગત ભારતીય રમતો, સાઇકલિંગ, રોલર સ્કેટિંગ અને અન્ય ગામઠી રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એફઆર સ્નેહિત સુરવાઝુલા, શ્રીજા અકુલા અને પ્રાપ્તિ સેન જેવા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર પણ કાર્નિવલમાં હાજર રહ્યા હતા અને સુરતવાસીઓના ઉત્સાહમાં સહભાગી બન્યા હતા.