સુરત(Surat): સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તે સાથે જ મનપા (SMC) દ્વારા લારી ગલ્લાના દબાણ દૂર કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર થૂંકતા કે અન્ય રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક ઝૂંબેશ મનપા દ્વારા તમામ ઝોનમાં ઉપાડવામાં આવી હતી, જે અંતર્ગત તમાકુ કે તમાકુની બનાવટની ચીજવસ્તુ વેચનારાઓને દંડવામાં આવ્યા છે.
સુરત મનપાના આરોગ્ય વિભાગની ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તા. 6 ડિસેમ્બરના રોજ તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કલમ 4, 6 (અ,બ) અને કલમ 7 હેઠળ કાર્યવાહી હાથધરવામાં આવી હતી. આ કલમનો ભંગ કરનારા ઈસમો સામે સખ્ત કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. તે સાથે જ તમાકુ વિરોધી લોકજાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા હતા.
ખરેખર તો નિયમ અનુસાર શૈક્ષણિક સંસ્થા સ્કૂલ, કોલેજના 100 મીટરના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ હોય છે, તેમ છતાં શહેરમાં ઠેરઠેર સ્કૂલોની નજીક પાનના ગલ્લા ધમધમતાં હોય છે. આવા દૂષણોને ડામવા માટે મનપા દ્વારા 6 ડિસેમ્બરના રોજ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. મનપાની તપાસ કાર્યવાહીમાં કુલ 151 ઈસમો શૈક્ષણિક સંસ્થાની નજીક તમાકુની બનાવટોનું વેચાણ કરતા ઝડપાયા હતા. મનપા દ્વારા તમામ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપા દ્વારા 151 ઈસમો પાસેથી 31,000નો દંડ વસૂલાયો
રાંદેરમાં 19 ઈસમોને 3800નો દંડ, સેન્ટ્રલ ઝોનમાં 21 જણાને 4200નો દંડ, કતારગામ ઝોનમાં 20 ઈસમોને 4800નો દંડ, વરાછા એ ઝોનમાં 12 ઈસમોને 2400નો અને વરાછા બી ઝોનમાં 14 ઈસમોને 2800નો દંડ જ્યારે ઉધના એ ઝોનમાં 20 ઈસમોને 4000 તેમજ ઉધના બી ઝોનમાં 18 ઈસમોને 3600 રૂપિયાનો દંડ કરાયો છે. આ ઉપરાંત અઠવા ઝોનમાં 12 ઈસમોને 2400, લિંબાયત ઝોનમાં 15 જણાને 3000નો દંડ કરવામાં આવ્યો છે. આમ કુલ સુરત મનપા દ્વારા કુલ 151 ઈસમો પાસેથી 31,000નો દંડ તથા વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે.