Dakshin Gujarat Main

હાઇકોર્ટની ટકોર બાદ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ અગ્નિકાંડમાં 3 કર્મીઓ કસૂરવાર ઠેરવાયા

bharuch : ભરૂચ વેલફેર હોસ્પિટલ welfare hospital) ના કોવિડ સેન્ટરમાં ( covid centre) આગની હોનારતમાં હાઇકોર્ટ ( highcourt) ની ટકોર બાદ 2 દિવસ પહેલાં જ હોસ્પિટલના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ અને હોસ્પિટલના જવાબદારોની ગંભીર નિષ્કાળજી બદલ ગુનો દાખલ કરાયો હતો. હવે ફાયર સેફ્ટી મુદ્દે પાલિકાના વર્ગ-4ના 3 નાના કર્મચારીઓની જવાબદારી નક્કી કરી દઈ તેમનો ભોગ લેવાયો છે. હોસ્પિટલમાં ઉપરી આદેશથી ચેકિંગમાં ગયેલા પાલિકાના ફાયર વિભાગના 3 કર્મચારીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતાં આ સમગ્ર કિસ્સો ભરૂચમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.


ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં 1 મેની રાત્રિએ બનેલી આગની ઘટનામાં ભરૂચ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી ( fire safety) અંગેની બેદરકારી માટે જવાબદારી નક્કી કરવા આંતરિક તપાસ હાથ ધરી હતી. જેમાં ચીફ ઓફિસર સંજય સોનીએ ફાયર વિભાગના હેડ ફાયરમેન શૈલેષ સાંસિયા, આસિ. ફાયરમેન અલ્પેશ મિસ્ત્રી તેમજ પુરુસોત્તમ બાબુભાઇ માછીને કસૂરવાર ઠેરવી ફરજ મોકૂફનો હુકમ કર્યો છે. નગરપાલિકાના ફાયર વિભાગમાં હેડ ફાયરમેન તરીકે ફરજ બજાવતા શૈલેષ સાંસિયા કાયમી કર્મચારી છે. જ્યારે અલ્પેશ મિસ્ત્રી 11 મહિનાના કરાર પર અને પુરુસોત્તમ માછી કોન્ટ્રાક્ટમાં રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે ફાયર વિભાગનો ચાર્જ ફાયર સુપરિન્ટેન્ડેન્ટ ઇનચાર્જ સલીમ મોહનને સોંપવામાં આવ્યો છે.


હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું જરૂરી ચેકિંગ તેમજ નોટિસ સહિતની કામગીરી સક્ષમ અધિકારીએ કરવાની હોવા છતાં નાના કર્મીઓને તે માટે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઘટના બાદ જવાબદાર અધિકારીને છાવરી નાના કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ફાયરમેનની જવાબદારી આગની ઘટનામાં સ્થળ પર જઈ આગ ઓલવવા સાથે રેસ્ક્યુની રહેલી છે. જો કે, વેલફેર હોસ્પિટલમાં તંત્ર દ્વારા આ 3 ફાયર ફાઈટરને ફાયર સેફ્ટી ચેક કરવા મોકલવામાં આવ્યા હોવાનું અને હવે તેમના માથે દોષારોપણ અને નિષ્કાળજીનો ટોપલો ઢોળી દેવાયો છે. ઉપરી અધિકારીઓ અને ફાયર સુપરિન્ટેન્ડેન્ટ ઇનચાર્જની કામગીરી સામે હાલ સવાલો ઊભા થઇ રહ્યા છે. જે તમામ દેખરેખ, ચેકિંગ, રિપોર્ટ અને નોટિસ સહિતની જવાબદારી તેઓ પર રહેલી છે.

3 કર્મચારીને સસ્પેન્ડ કરાયાની ખબર નથી: સલીમ મોહન

હાલ તો નાના વર્ગના આ 3 કર્મીઓ કાંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે. જ્યારે આ મામલામાં ચીફ ઓફિસર સંજય સોનીને ફોન કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે ફાયર વિભાગના ઇનચાર્જ સલીમ મોહને તેમને 3 કર્મચારીને સસ્પેન્ડ કરાયા અંગે કોઈ ખબર નહીં હોવાનું કહ્યું હતું

Most Popular

To Top