navsari : નવસારી જિલ્લામાં કોરોનાના રેપિડ ટેસ્ટ કીટ ( corona rapid test kit) ની ભારે અછત વર્તાઇ રહી છે. જિલ્લામાં દરરોજ 6 હજાર કીટની જરૂરિયાત સામે માંડ બે હજાર કીટ ફાળવવમાં આવે છે, તેને કારણે જિલ્લામાં ટેસ્ટિંગ સાવ ઓછું થતું હોવાનું જાણવા મળે છે.
યાદ રહે કે નવસારી જિલ્લામાં ઓક્સીજન ( oxygen) અને રેમડેસિવિર ( remdesivir) ની ભારે માંગ રહી હતી અને એ દરમ્યાન તેની અછતને કારણે કેટલાય કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. મુલ્લા હોસ્પિટલમાં 6 દર્દીઓના ઓક્સીજનની અછતને કારણે મૃત્યુ થવા છતાં તંત્રનું રૂવાંડુંય ફરક્યું નથી. હવે જિલ્લામાં કોરોનાની રેપિડ ટેસ્ટ કીટની ભારે અછત અનુભવાઇ રહી છે. જિલ્લામાં અંદાજે 15 લાખની વસ્તી છે, ત્યારે ટેસ્ટ માંડ બહુ ઓછા થાય છે. અત્યાર સુધીમાં એક દિવસમાં વધુમાં વધુ 3 હજાર ટેસ્ટ થયા છે. આ રીતે ટેસ્ટિંગ ચાલે તો જિલ્લામાં ટેસ્ટિંગ ક્યારે પૂરા થઇ શકે એ તો ગણતરી કરતાં પણ માથું ખંજવાળવું પડે.
કોરોનાના ટેસ્ટિંગ માટે રેપિડ ટેસ્ટ કીટની જરૂર પડે છે. જિલ્લામાં કોરોનાનું તત્કાળ ટેસ્ટિંગ થાય એ માટે રેપિડ ટેસ્ટ વધુ પ્રમાણમાં થવા જોઇએ. ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ એ જ એક માત્ર કોરોનાને નિયંત્રણમાં રાખવાના હથિયાર છે, ત્યારે નવસારી જિલ્લામાં 6 હજાર કીટની સામે માંડ 2 હજાર કીટ મળે છે. મતલબ કે એક સેન્ટર પર વધુમાં વધુ 50 કીટ આપી શકાય એમ છે.
રેપિડ ટેસ્ટની કીટની અછત હોવાથી આરટીપીસીઆર ટેસ્ટ ( rtpcr test) કરવા પડે જેનું રીઝલ્ટ બે- ત્રણ દિવસે આવતા દર્દીની હાલત બગડે
રેપિડ ટેસ્ટની કીટની અછત હોવાને કારણે જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા પડે છે. દરરોજ 1400 ટેસ્ટ થાય છે અને તેના રીઝલ્ટ આવવામાં બે ત્રણ દિવસ નીકળી જતા હોવાને કારણે દર્દીની હાલત પણ બગડે છે અને સંક્રમણનું જોખમ પણ વધે છે. પરંતુ રેપિટ ટેસ્ટ કીટ ઓછા હોવાને કારણે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવા જ પડે છે. કોરોનાના બુધવારે 216 કેસ નવા નોંધાયા બાદ ગુરૂવારે 135 કેસ નોંધાયા છે, એ સંજોગોમાં જો ટેસ્ટિંગ વધે તો હજુ વધુ પોઝિટિવ કેસ ( positive case) મળી આવે છે. કોરોનાના નવા કેસનું જેટલું મોડું નિદાન થશે એટલું જોખમ વધશે.
કોરોનાના રેપિડ ટેસ્ટની કીટનો વધુ જથ્થો ફાળવવા માંગ
નવસારીના ધારાસભ્ય પિયૂષ દેસાઇએ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના કમિશ્નરને પત્ર લખીને નવસારી જિલ્લા માટે રેપિડ ટેસ્ટની વધુ કીટ ફાળવવા માટે પણ રજુઆત કરી છે.